પેથાપુર ખાતે જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો, વૃક્ષારોપણ પણ કરાયું

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના પેથાપુર ગામે જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુના અધ્યક્ષસ્થાને ‘શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળામાં પ્રથમવાર પ્રવેશ મેળવનારા નૂતન વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરી ઉત્સાહભેર શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.


કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે શિક્ષણ સશક્ત અને પ્રગતિશીલ સમાજના નિર્માણનો મુખ્ય આધાર છે. રાજ્ય સરકારના પ્રયાસોથી કન્યા કેળવણીનો વ્યાપ વધ્યો છે અને શાળા છોડતા વિદ્યાર્થીઓનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઘટ્યું છે. તેમણે વાલીઓને દીકરીઓને ઉચ્ચ શિક્ષણ અપાવી આત્મનિર્ભર બનાવવા અનુરોધ કર્યો હતો.તેમણે શિક્ષકોને પણ અદ્યતન શૈક્ષણિક અને ભૌતિક સુવિધાઓનો મહત્તમ ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા તથા તેમને દેશના જવાબદાર નાગરિક તરીકે ઘડવા આહ્વાન કર્યું હતું.શાળા પ્રવેશોત્સવ દરમિયાન તેજસ્વી વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ સ્વચ્છતા અભિયાન અને પર્યાવરણ જાગૃતિ જેવા વિષયો પર વક્તવ્ય રજૂ કરી સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.

કાર્યક્રમને યાદગાર બનાવવા અને ગ્રીન કેમ્પસના સંકલ્પને સાકાર કરવા જિલ્લા કલેક્ટર તથા અન્ય મહાનુભાવોના હસ્તે શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં એસએમસીના સભ્યો, આચાર્યશ્રીઓ, શિક્ષકો, સ્થાનિક આગેવાનો, વાલીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.




