સાબરકાંઠા

૧૧ જુલાઈએ સાબરકાંઠાની તમામ અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલત ફોજદારી, ચેક રિટર્ન સહિત ૧૧ પ્રકારના કેસોનો થશે સમાધાનથી નિકાલ

સાબરકાંઠા જિલ્લામાં આગામી તા. ૧૧ જુલાઈના રોજ રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી તથા રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, સાબરકાંઠા દ્વારા વર્ષની બીજી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ઇન્ચાર્જ અધ્યક્ષના નેતૃત્વ હેઠળ જિલ્લાના તમામ અદાલતોમાં લોક અદાલત યોજાશે.

આ લોક અદાલતમાં ફોજદારી, ચેક રિટર્ન, બેંક લેણાં, મોટર અકસ્માત, લગ્ન વિષયક, મજૂર કાયદા, જમીન સંપાદન, વીજ બિલ, પાણી બિલ, રેવન્યુ અને દિવાની સહિત કુલ ૧૧ પ્રકારના કેસો સમાધાનના આધારે રજૂ કરી શકાશે. ઉપરાંત જિલ્લામાં વિવિધ સ્થળોએ લગાવાયેલા સીસીટીવી કેમેરામાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ નોંધાયેલા અને હજુ સુધી દંડ ભરાયો ન હોય તેવા ઇ-ચલણના કેસોનો પણ લોક અદાલતમાં નિકાલ કરવામાં આવશે.

લોક અદાલતમાં બંને પક્ષોની સંમતિ અને સમાધાનના આધારે કેસોનો ઝડપી અને સરળ નિકાલ થતો હોવાથી સમય, ખર્ચ અને લાંબી કાનૂની પ્રક્રિયાથી રાહત મળે છે. અહીં કોઈ પક્ષની હાર કે જીત નહીં પરંતુ બંને પક્ષોને સ્વીકાર્ય સમાધાનથી વિવાદનો અંત આવે છે. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, સાબરકાંઠાએ વધુમાં વધુ પક્ષકારોને પોતાના કેસો લોક અદાલતમાં રજૂ કરી આ સુવિધાનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!