વિજયનગર તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ

સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં માત્ર બે કલાકમાં અંદાજે ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી જ પાણી થઈ ગયું હતું અને અનેક સ્થળોએ વરસાદી પાણી ભરાઈ જતાં જનજીવન પર અસર જોવા મળી હતી.
ભારે વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા, જ્યારે ખેતરો અને ચેકડેમોમાં નવા પાણીની આવક થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. લાંબા સમયથી સારા વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે.
ખેડૂતોએ જણાવ્યું કે આ વરસાદથી વાવેલા પાકને પૂરતો લાભ મળશે તેમજ જમીનમાં ભેજનું પ્રમાણ વધતાં આગામી કૃષિ કામગીરીને પણ વેગ મળશે. બીજી તરફ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોએ સાવચેતી રાખવાની જરૂરિયાત ઉભી થઈ છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં પણ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.




