સાબરકાંઠામાં જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને ‘માય ભારત’ની પ્રથમ દ્વિ-સ્તરીય સંયુક્ત બેઠક યોજાઈ
યુવાનોને રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય ભાગીદાર બનવા કલેક્ટરશ્રીની અપીલ

સાબરકાંઠા જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુના અધ્યક્ષસ્થાને ‘માય ભારત’ (MY Bharat) ની પ્રથમ દ્વિ-સ્તરીય સંયુક્ત બેઠક યોજાઈ હતી. ભારત સરકારના માય ભારત કેન્દ્ર – સાબરકાંઠા/અરવલ્લી તથા જિલ્લા યુવા અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ બેઠકમાં સાબરકાંઠા માય ભારત ડિસ્ટ્રિક્ટ એડવાઇઝરી કમિટી (MYB-DAC) અને સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ માય ભારત કોઓર્ડિનેશન કમિટી (MYB-DSC) ની પ્રથમ સંયુક્ત બેઠક યોજાઈ હતી.
બેઠક દરમિયાન કાર્યસૂચિના વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત અને સઘન ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ બંને સમિતિઓના અસરકારક સંચાલન માટે જરૂરી માર્ગદર્શન અને રચનાત્મક સૂચનો આપ્યા હતા.
કલેક્ટરશ્રીએ તમામ સરકારી વિભાગો, યુવા મંડળો, સ્વૈચ્છિક અને બિન-સરકારી સંસ્થાઓ (NGOs), સ્વ-સહાય જૂથો (SHGs), ગ્રામ પંચાયતો તેમજ NSS અને NCC સાથે સંકળાયેલા પ્રતિનિધિઓને ‘MY BHARAT KENDRA’ સાથે સક્રિય સંકલન જાળવવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે યુવાનો અને સ્વયંસેવકો વચ્ચે સુદ્રઢ સંદેશાવ્યવહાર, પરસ્પર સહકાર અને સતત સંપર્ક દ્વારા વધુમાં વધુ યુવાનોની નોંધણી કરાવી તેમને રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં જોડવામાં આવે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું કે દેશના વિકાસમાં યુવાનોની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે અને દરેક યુવાને તન, મન અને ધનથી સમાજ તથા રાષ્ટ્રની સેવા માટે આગળ આવવું જોઈએ.
આ બેઠકમાં માય ભારત કેન્દ્ર – સાબરકાંઠા/અરવલ્લીના જિલ્લા યુવા અધિકારી રમેશ આર. કપૂર સહિત વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ, સામાજિક કાર્યકરો તથા અન્ય આમંત્રિત પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.



