હિંમતનગરમાં પોસ્ટ ઓફિસથી ઘરે જતી મહિલાની થેલી કાપી રૂ. 14,500ની ચોરી
જનરલ પોસ્ટ ઓફિસમાંથી રોકડ ઉપાડી ઘરે જતી વખતે બની ઘટના, ચોર ફરાર

હિંમતનગર શહેરમાં એક મહિલા પોસ્ટ ઓફિસમાંથી પોતાના સેવિંગ ખાતામાંથી રોકડ ઉપાડી ઘરે જઈ રહી હતી ત્યારે અજાણ્યા શખ્સે તેની થેલી કાપી રૂ. 14,500ની ચોરી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે.
મહાકાળી મંદિર રોડ સ્થિત દ્વારકાધીશ સોસાયટીમાં રહેતી મહિલા જનરલ પોસ્ટ ઓફિસમાં ગઈ હતી અને ત્યાંથી પોતાના સેવિંગ ખાતામાંથી રૂ. 15 હજાર ઉપાડ્યા હતા. રોકડ રકમ કપડાની થેલીમાં મૂકી તે ઘરે જવા નીકળી હતી. પોસ્ટ ઓફિસથી ટાવર અને બસ સ્ટેશન તરફના માર્ગ પરથી પસાર થતી વખતે કોઈ અજાણ્યા શખ્સે લાગ જોઈ તેની થેલી કાપી નાખી અને હાથની સફાઈ કરી નાખી.
મહિલાને ઘટનાની જાણ ન થઈ અને ચોર મોકો જોઈ ફરાર થઈ ગયો. બાદમાં તપાસ કરતાં થેલીમાં માત્ર રૂ. 500ની એક જ નોટ બચી હોવાનું અને બાકીના રૂ. 14,500 ચોરાઈ ગયા હોવાનું મહિલાના ધ્યાનમાં આવ્યું.
આ ઘટના અંગે મહિલાએ બી ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઘટનાસ્થળ તેમજ આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ મેળવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને આરોપીની શોધખોળ હાથ ધરી છે.
આ પ્રકારની ઘટનાઓ વધતાં પોલીસે નાગરિકોને પોસ્ટ ઓફિસ કે બેંકમાંથી રોકડ ઉપાડ કર્યા બાદ જાહેર સ્થળોએ સાવચેતી રાખવા અપીલ કરી છે.




