સાબરકાંઠા: ખેડબ્રહ્મા–ખેરોજ સ્ટેટ હાઇવે પર ક્ષતિગ્રસ્ત ભાગોનું સમારકામ શરૂ

ચોમાસામાં વાહનચાલકોની સુગમતા અને સલામતી માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોલ્ડ મિક્સ પદ્ધતિથી પૅચવર્ક હાથ ધરાયું
સાબરકાંઠા જિલ્લામાં ચોમાસાની ઋતુ દરમિયાન માર્ગોની સ્થિતિને ધ્યાને લઈ માર્ગ અને મકાન (R&B) વિભાગ દ્વારા રસ્તાઓની યોગ્ય જાળવણી અને ક્ષતિગ્રસ્ત ભાગોના સમારકામની કામગીરી વેગવંતી બનાવવામાં આવી છે. જેના ભાગરૂપે ખેડબ્રહ્મા તાલુકામાંથી પસાર થતા ખેડબ્રહ્મા–ખેરોજ સ્ટેટ હાઇવે (SH-9) પર જરૂરી સ્થળોએ પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, વરસાદના કારણે માર્ગની સપાટી પર પડેલા ખાડા અને નુકસાનગ્રસ્ત ભાગોનું કોલ્ડ મિક્સ પદ્ધતિનો ઉપયોગ કરીને સમારકામ કરવામાં આવી રહ્યું છે. આ આધુનિક અને ઝડપી પદ્ધતિથી પેચવર્ક થવાથી રસ્તાની સપાટી સમતલ થશે, જેથી વાહનચાલકોને અવરજવર દરમિયાન પડતી મુશ્કેલીઓમાંથી મોટી રાહત મળશે.
સંબંધિત વિભાગના જણાવ્યા અનુસાર, ચોમાસા દરમિયાન વાહનચાલકો માટે સલામત, સુગમ અને સુવ્યવસ્થિત વાહનવ્યવહાર સુનિશ્ચિત કરવો એ તંત્રનો મુખ્ય ઉદ્દેશ્ય છે. તંત્ર દ્વારા માર્ગોની સ્થિતિનું સતત નિરીક્ષણ (Monitoring) કરવામાં આવી રહ્યું છે અને જ્યાં પણ નુકસાન જણાય ત્યાં તાત્કાલિક ધોરણે સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.




