સાબરકાંઠા: માનતા પૂર્ણ થતાં ભક્તોએ ઇડરથી હિંમતનગર સુધી કરી પદયાત્રા, સધી માતાજીના મંદિરે અર્પણ કરી 101 ગજની ધ્વજા

સાબરકાંઠા જિલ્લામાં ઇડરથી હિંમતનગર સુધીના માર્ગ પર શ્રદ્ધા અને આસ્થાનો અનોખો નજારો જોવા મળ્યો હતો. જય ગોગા ગ્રુપના એક સભ્યના સગપણ માટે રાખવામાં આવેલી માનતા પૂર્ણ થતાં ગ્રુપના તમામ સભ્યોએ ઇડરથી હિંમતનગર ભાટવાસ સ્થિત સધી માતાજીના મંદિરે પગપાળા પહોંચી 101 ગજની વિશાળ ધ્વજા અર્પણ કરી હતી.
ઇડરથી શરૂ થયેલી આ પદયાત્રામાં જય ગોગા ગ્રુપના સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા. હાથમાં 101 ગજની વિશાળ ધ્વજા લઈને ભક્તોએ શ્રદ્ધાભેર હિંમતનગર તરફ પ્રયાણ કર્યું હતું. ગ્રુપના એક સભ્યનું સગપણ થાય તે માટે અગાઉ માનતા રાખવામાં આવી હતી, અને તે માનતા પૂર્ણ થતાં ગ્રુપના તમામ સભ્યોએ સાથે મળીને આ પદયાત્રાનું આયોજન કર્યું હતું.
લાંબા અંતરની આ પગપાળા યાત્રા બાદ ભક્તો હિંમતનગર ભાટવાસ ખાતે આવેલા સધી માતાજીના મંદિરે પહોંચ્યા હતા, જ્યાં તેમણે વિધિવત રીતે ધ્વજા અર્પણ કરી હતી. સમગ્ર યાત્રા દરમિયાન ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. જય ગોગા ગ્રુપના સભ્યોએ સધીમતજી મહારાજના દર્શન કરી પોતાની માનતા પૂર્ણ કરી હતી.
આ પ્રસંગે જય ગોગા ગ્રુપના વિજયભાઈ ઠાકુરે તથા સધી માતાજી મંદિરના સેવક મોહનભાઈએ પોતાની પ્રતિક્રિયા આપી હતી.




