ગાંભોઇ પોલીસે જાટકા મશીન ચોરીનો ભેદ ઉકેલી આરોપીને ઝડપ્યો
ચોરી થયેલા ચાર જાટકા મશીન રૂ. ૨૬,૧૫૦ના મુદ્દામાલ સાથે રિકવર

ગાંભોઇ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખેડૂતો દ્વારા પાક રક્ષણ માટે ઉપયોગમાં લેવાતા જાટકા મશીનની ચોરીના ગુનાનો પોલીસે ભેદ ઉકેલી એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી ચોરી થયેલા ચાર જાટકા મશીન, કુલ કિંમત રૂ. ૨૬,૧૫૦નો મુદ્દામાલ રિકવર કર્યો હોવાનું પ્રેસનોટમાં જણાવાયું છે.
પોલીસના જણાવ્યા મુજબ, તા. ૧૧ ઓગસ્ટ ૨૦૨૬ના સાંજે ૬ વાગ્યાથી તા. ૧૨ ઓગસ્ટના સવારે ૬ વાગ્યા દરમિયાન રામપુર (ઘોરવાડા)ની સીમ, ધનપુરા ગામની સીમ તેમજ ખાંધોલ ગામની સીમમાંથી અલગ-અલગ સ્થળેથી ખેડૂતોના પાક રક્ષણ માટે લગાવવામાં આવેલા ચાર જાટકા મશીન ચોરી થયા હતા. આ અંગે ગાંભોઇ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૩(૨) મુજબ ગુનો નોંધાયો હતો.
ગુનાની તપાસ દરમિયાન હ્યુમન સોર્સ તથા ટેકનિકલ એનાલિસિસની મદદથી ચોરીના જાટકા મશીન ઈડર તાલુકાના ધારાપુર ગામના વચલા વાસમાં રહેતા ૨૯ વર્ષીય વિપુલકુમાર ચુનાજી કંવરજી ચૌહાણ પાસે હોવાની માહિતી મળી હતી. પોલીસે તેને ગાંભોઇ પોલીસ સ્ટેશન ખાતે લાવી પૂછપરછ હાથ ધરી હતી. તપાસ બાદ તેની પાસેથી ચોરીમાં ગયેલા ચારેય જાટકા મશીનનો મુદ્દામાલ રિકવર કરવામાં પોલીસને સફળતા મળી હતી.
આ કામગીરી ગાંભોઇ પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ. પી.એચ. ડોડીયા, એ.એસ.આઇ. કાળુભાઈ દેવાભાઈ તથા પોલીસ કર્મચારીઓની ટીમે હાથ ધરી હતી.




