સાબરકાંઠામાં ₹14.24 કરોડના સાયબર ફ્રોડ સિન્ડિકેટનો ખુલાસો: 12 મ્યુલ એકાઉન્ટ ઝડપાયા, 9 આરોપીઓ ગિરફ્તાર

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સાયબર ક્રાઈમ પોલીસને ઓનલાઈન સાયબર છેતરપિંડી આચરતી એક મોટી આંતરરાજ્ય સિન્ડિકેટનો પર્દાફાશ કરવામાં સફળતા મળી છે. પોલીસે મ્યુલ બેન્ક એકાઉન્ટ્સ (ભાડે મેળવેલા ખાતા) મારફતે આચરવામાં આવતા કરોડો રૂપિયાના ફ્રોડ રેકેટમાં સામેલ 10 આરોપીઓમાંથી 9 આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
દેશભરમાંથી 17 ફરિયાદો અને ₹14.24 કરોડનું ફ્રોડ
સાયબર ક્રાઈમ પોલીસની તપાસ દરમિયાન હિંમતનગર અને ઈડર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી 12 જેટલા શંકાસ્પદ મ્યુલ બેન્ક એકાઉન્ટ મળી આવ્યા હતા. નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (NCRP) પર તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે આ એકાઉન્ટ્સ સામે કેરળ, તેલંગાણા, કર્ણાટક અને મહારાષ્ટ્ર સહિત વિવિધ રાજ્યોમાંથી 17 ફરિયાદો નોંધાયેલી છે. સમગ્ર સાયબર સિન્ડિકેટ દ્વારા કુલ ₹14,24,59,668 (અંદાજે 14.24 કરોડ)નું ફ્રોડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે, જેમાંથી ₹20,31,466ના સીધા વ્યવહારો આ ઝડપાયેલા 12 મ્યુલ એકાઉન્ટ્સમાં કરવામાં આવ્યા હતા.
3 થી 4 ટકા કમિશન આપી થતી હતી રોકડ ઉપાડ
તપાસમાં સામે આવેલા મોડસ ઓપરેન્ડી મુજબ, આરોપીઓ અન્ય રાજ્યોના નિર્દોષ નાગરિકો સાથે સાયબર છેતરપિંડી આચરી ફ્રોડની રકમ આ મ્યુલ એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવતા હતા. ખાતાધારકોને 3 થી 4 ટકા કમિશન ચૂકવવામાં આવતું અને બાકીની મોટી રકમ ATM અથવા ચેક મારફતે રોકડમાં ઉપાડીને અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી દેવામાં આવતી હતી.
પોલીસ તપાસ અને કાર્યવાહી
ઘટના અંગે વિગત આપતા સાબરકાંઠા એસપી ડો. પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આ મામલે કુલ 10 આરોપીઓની ઓળખ કરીને 9 ની ગિરફ્તારી કરવામાં આવી છે, જ્યારે 1 ફરાર આરોપીને ઝડપવા તજવીજ હાથ ધરાઈ છે.
પોલીસ હાલ તમામ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ તપાસી રહી છે. આ આરોપીઓ અન્ય કયા સાયબર ગુનાઓમાં કે જિલ્લાઓમાં સંડોવાયેલા છે તેની પણ ઊંડાણપૂર્વક તપાસ થઈ રહી છે. સિન્ડિકેટના મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા અને છેતરપિંડીની રકમ રિકવર કરવા પોલીસે આગળની કાર્યવાહી તેજ કરી છે.





