જન્માષ્ટમીના પાવન પર્વે સાંસદ શોભનાબેન બારૈયાએ પરિવારે સાથે શામળિયાના કર્યા દર્શન; ભજન ગાઈ ભક્તિમય માહોલ સર્જ્યો

પવિત્ર જન્માષ્ટમીના તહેવાર પ્રસંગે સમગ્ર રાજ્યભરમાં ઉત્સાહ અને ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે સાબરકાંઠા-અરવલ્લી વિસ્તારના સાંસદ શોભનાબેન બારૈયાએ પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે પહોંચીને ભગવાન શામળિયાના દર્શન-અર્ચન કર્યા હતા.
જન્માષ્ટમીના આ પાવન પર્વ પર સાંસદ શોભનાબેન બારૈયા પોતાના પરિવાર સાથે મંદિર પરિસરમાં ઉપસ્થિત રહ્યા હતા અને કાળિયા ઠાકોરના ચરણોમાં સીસ નમાવી દેશ તથા પ્રદેશની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. દર્શન બાદ તેમણે ઉપસ્થિત તમામ શ્રદ્ધાળુઓ અને દેશવાસીઓને જન્માષ્ટમી પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.
મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ વચ્ચે સાંસદ પોતે પણ કૃષ્ણભક્તિમાં લીન બન્યા હતા. તેમણે મંદિર પરિસરમાં જઈને મધુર સૂર સાથે ભજન ગાઈને વાતાવરણને વધુ ભક્તિમય બનાવી દીધું હતું. તેમના આ ભક્તિભાવને જોઈને ઉપસ્થિત અન્ય ભક્તો પણ ભાવવિભોર બન્યા હતા.
જન્માષ્ટમીના પર્વને લઈ પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે વહેલી સવારથી જ ભક્તોનું મહેરામણ ઉમટી પડ્યું છે. શામળિયાના દર્શન કરવા માટે દૂર-દૂરથી આવેલા શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે. સમગ્ર મંદિર પરિસર ‘જય રણછોડ, માખણ ચોર’ અને ‘નંદ ઘેર આનંદ ભયો, જય કન્હૈયા લાલ કી’ના નાદથી ગુંજી ઉઠ્યું છે.
સાંસદ શોભનાબેન બારૈયાનું નિવેદન (બાઈટ):
“જન્માષ્ટમીનો આ પાવન તહેવાર આપણા સૌના જીવનમાં નવી ઉર્જા, આનંદ અને ભક્તિનો સંચાર કરે છે. આજે પરિવાર સાથે ભગવાન શામળિયાના દર્શન કરીને ધન્યતા અનુભવું છું. ભગવાન શ્રીકૃષ્ણ સૌનું કલ્યાણ કરે અને આપણા ક્ષેત્ર તથા દેશમાં સુખ-શાંતિ જળવાઈ રહે તેવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના કરું છું. તમામ નાગરિકોને કૃષ્ણ જન્મોત્સવની હૃદયપૂર્વકની શુભકામનાઓ.”




