સાબરકાંઠા: હિંમતનગરમાં ૧૧૨ ઈમરજન્સી સેવા ખોરવાઈ જવાના મામલે મોટી કાર્યવાહી, પાંચ પોલીસકર્મીઓની અંતરિયાળ વિસ્તારમાં બદલી

સાબરકાંઠા જિલ્લાના મુખ્યાલય હિંમતનગરમાં છેલ્લા દોઢ મહિનાથી ૧૧૨ ઈમરજન્સી સેવા ઠપ થઈ જવાની ઘટનામાં જિલ્લા પોલીસ તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, આ સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓને બદલે માત્ર નીચેના કક્ષાના કર્મચારીઓ સામે શિક્ષાત્મક પગલાં ભરાતા “પાડાના વાંકે પખાલીને ડામ” જેવી સ્થિતિ સર્જાઈ હોવાની ચર્ચા પોલીસ બેડામાં જોર પકડી રહી છે.
૧૧ જૂનથી બંધ હતી ૧૧૨ ઈમરજન્સી સેવા
મળતી માહિતી મુજબ, હિંમતનગરમાં ૧૧૨ ઈમરજન્સી વાહન સેવા ગત ૧૧ જૂનથી દોઢેક મહિના સુધી કોઈ પણ ચોક્કસ કારણ વગર બંધ રાખી દેવામાં આવી હતી. આ સેવા બંધ રહેવા પાછળ શહેરનો ક્રાઈમ રેટ ઓછો દર્શાવવા માટે કોલ એટેન્ડ ન કર્યા હોવાની કે ‘ઝીરો કોલ’ દર્શાવ્યા હોવાની શંકા ઉપજી હતી. આ ગંભીર બાબત ધ્યાન પર આવતા સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા (SP) દ્વારા સંબંધિત સ્ટાફ પાસે તાત્કાલિક ખુલાસો માગવામાં આવ્યો હતો.
પાંચ પોલીસ કર્મચારીઓની અંતરિયાળ વિસ્તારમાં બદલી
આ ઘટના બાદ ૧૧૨ ઈમરજન્સી વાનમાં ફરજ બજાવતા પાંચ પોલીસ કર્મચારીઓ સામે બદલીનો ઘાટો વાગ્યો છે. આ તમામ પાંચેય પોલીસકર્મીઓને જિલ્લાના છેવાડાના અને અંતરિયાળ ગણાતા ચિઠોડા અને પોશીના જેવા પોલીસ સ્ટેશનોમાં તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી છે.
ઉચ્ચ અધિકારીઓ સામે કાર્યવાહીની શક્યતા
અત્યાર સુધી માત્ર નીચલા સ્તરના કર્મચારીઓ સામે જ કાર્યવાહી કરવામાં આવતા એવો સવાલ ઉઠ્યો છે કે માત્ર વાન પર તૈનાત કર્મચારીઓ પોતાની મરજીથી દોઢ મહિનો સેવા બંધ રાખી શકે? જેથી આ સમગ્ર પ્રકરણમાં નીતિગત નિર્ણયો લેનારા કે યોગ્ય સુપરવિઝન ન કરનારા જવાબદાર પોલીસ અધિકારીઓ સામે પણ આગામી દિવસોમાં આકરાં પગલાં લેવાય તેવી પૂર્ણ શક્યતાઓ સેવાઈ રહી છે.




