સાબરકાંઠામાં પડતર માંગણીઓને મુદ્દે ગ્રામસેવકો આક્રમક: કલેક્ટર અને DDOને આવેદનપત્ર આપી અચોક્કસ મુદતની હડતાળ પર

સાબરકાંઠા જિલ્લાના ગ્રામસેવકોએ પોતાની વર્ષોથી પડતર રહેલી વિવિધ માંગણીઓને લઈને સરકાર સામે મોરચો માંડ્યો છે. લાંબા સમયથી રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતાં ગ્રામસેવકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે, જેના ભાગરૂપે તેમણે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી (DDO)ને આવેદનપત્ર પાઠવીને વિરોધ નોંધાવ્યો છે.
આવેદનપત્ર અને આંદોલનની ચીમકી ગ્રામસેવક મંડળ દ્વારા કલેક્ટર અને DDO સમક્ષ રજૂઆત કરવામાં આવી છે કે તેમની વ્યાજબી માંગણીઓનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે. જો સરકાર દ્વારા ટૂંક સમયમાં તેમની માંગણીઓનો સ્વીકાર કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આંદોલનને વધુ તીવ્ર બનાવવાની કડક ચીમકી પણ આપવામાં આવી છે.
કામગીરીનો બહિષ્કાર આવેદનપત્ર આપવાની સાથે જ ગ્રામસેવકો તમામ સરકારી કામગીરીથી દૂર રહીને હડતાળ પર ઉતરી ગયા છે. ગ્રામસેવકોના હડતાળ પર જવાથી પંચાયત વિભાગ અને કૃષિ સંબંધિત રોજિંદી કામગીરી સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે.
ખેડૂતો અને ગ્રામજનોને હાલાકી ગ્રામીણ સ્તરે ખેતીવાડી યોજનાઓ, સરકારી સહાય, દાખલાઓ અને વિવિધ કલ્યાણકારી યોજનાઓના અમલીકરણમાં ગ્રામસેવકની ભૂમિકા મહત્વની હોય છે. ગ્રામસેવકો કાર્યથી અળગા રહેતાં ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને ભારે અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ખેતી વિષયક યોજનાઓના ફોર્મ ભરવા અને મંજૂરી મેળવવાની પ્રક્રિયા અટકી પડતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.




