ઇડર

મળી આવેલી સોનાની બુટ્ટી પરત કરી ઈડરની મહિલાએ ઈમાનદારીનું ઉદાહરણ પૂરું પાડ્યું

બેંકમાં ભૂલથી રહી ગયેલી રૂ.50 હજારની સોનાની બુટ્ટી મૂળ માલિક સુધી પહોંચાડાઈ

ઈડરની એક બેંક શાખામાં લોકરના કામ માટે આવેલી મહિલાની રૂ.50 હજારની કિંમતની સોનાની બુટ્ટી અજાણતા પડી રહી જતા ઈમાનદારીનો અનોખો કિસ્સો સામે આવ્યો હતો. બેંકમાં આવેલી અન્ય મહિલાને બુટ્ટી મળી આવતા તેમણે તેને પોતાના પાસે રાખવાને બદલે તાત્કાલિક બેંક મેનેજરને સોંપી દીધી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ બરવાવ ગામના પ્રીતિબેન પૃથ્વીરાજભાઈ પટેલ ત્રણ દિવસ અગાઉ ઈડર સ્થિત સાબરકાંઠા બેંકની શાખામાં લોકરના કામ માટે આવ્યા હતા. આ દરમિયાન તેમની સોનાની બુટ્ટી બેંકમાં ક્યાંક પડી ગઈ હતી. જોકે, તેમને આ અંગે જાણ નહોતી.

દરમિયાન મસાલ ગામના વિજયકુમારી મહિપાલસિંહ રમલાવતને બેંક પરિસરમાંથી સોનાની બુટ્ટી મળી આવી હતી. બુટ્ટીની કિંમત આશરે રૂ.50 હજાર હોવાનું જાણવા મળ્યું હતું. વિજયકુમારીએ લોભ રાખ્યા વિના બુટ્ટી બેંકના મેનેજર હરેન્દ્રસિંહને સોંપી ઈમાનદારીનો પરિચય આપ્યો હતો.

બેંક મેનેજરે બુટ્ટીના મૂળ માલિક અંગે તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ બુટ્ટી પ્રીતિબેન પૃથ્વીરાજભાઈ પટેલની હોવાનું સામે આવતા તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેમને બેંકમાં બોલાવવામાં આવ્યા હતા.

બેંક ખાતે પહોંચેલા પ્રીતિબેનને મેનેજર હરેન્દ્રસિંહ દ્વારા તેમની સોનાની બુટ્ટી પરત કરવામાં આવી હતી. કિંમતી દાગીના પરત મળતા પ્રીતિબેને રાહત અનુભવી હતી.

રૂ.50 હજારની કિંમતની સોનાની બુટ્ટી મળી હોવા છતાં તેને પોતાના ઉપયોગમાં લેવાને બદલે મૂળ માલિક સુધી પહોંચાડવામાં વિજયકુમારી રમલાવતે દાખવેલી પ્રામાણિકતા અને ઈમાનદારીની બેંકના કર્મચારીઓ સહિત ઉપસ્થિત લોકોએ પ્રશંસા કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!