સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ વિસ્તારમાં જુગાર રમતા ઝડપાયેલા પોલીસ કોન્સ્ટેબલ સામે કડક કાર્યવાહી કરીને સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા (SP) દ્વારા તેને નોકરીમાંથી ડિસમિસ (સેવામુક્ત) કરવામાં આવ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, પોલીસ કોન્સ્ટેબલ સંજયકુમાર રામજીભાઈ (બકુલ નંબર પ૭૧) અગાઉ ગાંભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ (પ્રોહિબિશન)ના ગુનામાં ઝડપાયા હતા. જેને પગલે તારીખ ૨૧/૦૬/૨૦૨૫ ના રોજ તેમને સસ્પેન્ડ (ફરજ મોકૂફ) કરી હિંમતનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે મૂકવામાં આવ્યા હતા.

જોકે, ફરજ મોકૂફી સમય દરમિયાન હેડક્વાર્ટરના જવાબદાર અધિકારીઓની કોઈપણ જાતની લેખિત કે મૌખિક મંજૂરી લીધા વગર જ સંજય રામજીભાઈ મનસ્વીપણે હિંમતનગર છોડીને પ્રાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારના ઊંછા ગામે તળાવના કિનારે જુગાર રમવા પહોંચી ગયા હતા. તારીખ ૦૭/૦૮/૨૦૨૫ ના રોજ સાંજે ૧૯:૦૦ વાગ્યાના સુમારે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા તેઓ પોલીસ દરોડા દરમિયાન રૂ. ૬૦૦/- દાવ પરના તથા રૂ. ૬,૪૦૦/- અંગ ઝડતીના મળી કુલ રૂ. ૭,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા હતા.

દરોડા દરમિયાન પોતાની સાચી ઓળખ છુપાવવા માટે તેમણે પોલીસ સમક્ષ ખોટું નામ ધારણ કર્યું હતું. આ મામલે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા કલમ ૧૨ અને ખોટી ઓળખ આપવા બદલ ભારતીય ન્યાય સંહિતા કલમ ૨૧૨(બી) મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.

તપાસ અધિકારી દ્વારા સીડીઆર (CDR) અને પુરાવાઓની ચકાસણી કરતા તેમની ખોટી ઓળખ અને હાજરી છતી થઈ હતી. શિસ્તબદ્ધ પોલીસ ખાતાના કર્મચારી હોવા છતાં આ પ્રકારનું ગેરવર્તન, બેદરકારી અને નિષ્કાળજી દર્શાવવા બદલ તેમની સામે ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવી હતી.

અગાઉ આ ઘટના બાદ તેમની હિંમતનગરથી બોટાદ ખાતે બદલી કરવામાં આવી હતી અને હાલ તેઓ બોટાદ ખાતે ફરજ બજાવતા હતા. ખાતાકીય તપાસના અંતે સાબરકાંઠા એસપી દ્વારા શિસ્તભંગ અને ગંભીર ગેરવર્તણૂક બદલ કોન્સ્ટેબલ સંજયકુમાર રામજીભાઈને તાત્કાલિક અસરથી પોલીસ ખાતામાંથી ડિસમિસ (સેવામુક્ત) કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!