ટોપ સ્ટોરીઝ

સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણા જિલ્લામાં મંદિર તથા બાઇક ચોરીનો તરખાટ મચાવનાર ગિરોહ પકડાયો: એલ.સી.બી.એ ૪૩ હજારના મુદ્દામાલ સાથે ૫ ને ઝડપ્યા

સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આવેલ મંદિરોમાં ચોરીઓ તથા મોટરસાયકલની સરેઆમ ચોરી કરી આતંક મચાવનાર ગિરોહના મુખ્ય સૂત્રધાર સહિત ૫ ઈસમો (જેમાં કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરોનો પણ સમાવેશ થાય છે) ને સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ની ટીમે ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી મંદિરના ઘંટ, મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ રૂ. ૪૩,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી ગાંભોઈ પોલીસ સ્ટેશનના મંદિર ચોરીના ૨ અને વાહન ચોરીના ૧ એમ કુલ ૩ ગુના ડીટેક્ટ કર્યા છે.

ગાંભોઈ હાઈવે પરથી શંકાસ્પદ હાલતમાં ઝડપાયા

સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહિલ અને એલ.સી.બી. પો.ઇન્સ. ડી.સી. સાકરીયાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ટીમ ગાંભોઈ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. દરમિયાન હે.કો. નિરીલકુમાર અને હે.કો. જીજ્ઞેશકુમારને ચોક્કસ બાતમી મળી હતી કે, મોતીપુરા અને ખાપરેટા ગામના રામાપીર તથા બ્રહ્માણી માતાના મંદીરમાંથી ચોરી કરનાર શકમંદ ઈસમો ગાંભોઈ ગામડી ઓવરબ્રિજ નજીક ઉભેલા છે.

બાતમીના આધારે પોલીસે દરોડો પાડી ૫ ઈસમોને પકડી પાડ્યા હતા. તેમની પાસે રહેલી બેગની તલાશી લેતા તેમાંથી મંદિરના પીળી ધાતુના ૪ મોટા ઘંટ (બેલ) મળી આવ્યા હતા. કડક પૂછપરછ દરમિયાન આ ઘંટ મોતીપુરા અને ખાપરેટા મંદિરના હોવાની કબૂલાત કરી હતી.

કુલ ૬ મંદિર ચોરી અને ૫ બાઈક ચોરીની કબૂલાત

ઝડપાયેલા આરોપીઓની એલ.સી.બી. ઓફિસે ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવતા તેઓએ ભેગા મળીને ગાંભોઈ, મહેસાણાના પામોલ, ભીલોડા, અને શામળાજી વિસ્તારમાંથી કુલ ૬ મંદિર ચોરી અને ૫ મોટરસાયકલ (સ્પ્લેન્ડર) ચોરી કરી હોવાની કબૂલાત આપી છે.

કબજે કરેલ મુદ્દામાલ:

  1. પીળી ધાતુના મંદિરના ઘંટ (બેલ) – ૪ નંગ

  2. વિવિધ કંપનીના એન્ડ્રોઇડ અને કી-પેડ મોબાઈલ – ૪ નંગ (કિંમત રૂ. ૨૯,૦૦૦/-)

  3. રોકડ રકમ – રૂ. ૮,૦૦૦/- (કુલ કિંમત રૂ. ૪૩,૦૦૦/-)

પકડાયેલ આરોપીઓની વિગત:

  1. અલ્પેશ રણછોડભાઈ ભગોરા (રહે. ઉખેડી ભગોરા ફળા, તા. નયાગાવ, જી. ઉદયપુર, રાજસ્થાન)

  2. જયસીંગ ઉર્ફે જશુ રામલાલ હોકલાજી ડામોર (રહે. પાટીયા બલીચા, તા. નયાગાવ, જી. ઉદયપુર, રાજસ્થાન)

  3. અજેશ ઉર્ફે અજય બાબુલાલ (રહે. બુદરા બલીચા, તા. નયાગાવ, જી. ઉદયપુર, રાજસ્થાન)

  4. કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરો

નાસતો-ફરતો / વોન્ટેડ આરોપી:

  • સોહન સ/ઓ પ્રકાશભાઈ ડામોર (મીણા) (રહે. ખેરવન, બલીચા, તા. નયાગાવ, જી. ઉદયપુર, રાજસ્થાન)

કામગીરી કરનાર પોલીસ ટીમ:

આ સફળ કામગીરી એલ.સી.બી. ઇન્સ્પેક્ટર ડી.સી. સાકરીયા, પી.એસ.આઈ. આર.જે. જાડેજા, એ.એસ.આઈ. વિરભદ્રસિંહ, હેડ કોન્સ્ટેબલ જીજ્ઞેશકુમાર, નિરીલકુમાર, જશુભાઈ, દેવરાજ, રાજુભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ બિકેશસિંહ, ભાવિન, નિલેશકુમાર, નરેન્દ્રકુમાર અને જતીનકુમાર દ્વારા કરવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!