ઇડર

ઇડરમાં રખડતા ઢોર અને ટ્રાફિક સમસ્યા સામે નગરપાલિકા લાલઘૂમ: રાત્રિ ઝુંબેશ શરૂ, ૧૦ દિવસ સુધી પશુઓ પકડવા દોડધામ રહેશે

નગરપાલિકા ટીમ, ચીફ ઓફિસર અને પદાધિકારીઓ મોડી રાત્રે રોડ પર ઉતર્યા: પ્રથમ દિવસે જ ૫ થી વધુ પશુઓ ઝડપાયા, દૂધ દોહ્યા બાદ ઢોર રસ્તા પર છોડી દેતા પશુપાલકોમાં ફાળ

સાબરકાંઠા જિલ્લાના મહત્વના વેપારી મથક એવા ઇડર શહેરમાંથી પસાર થતા હિંમતનગર, વડાલી, ખેડબ્રહ્મા અને યાત્રાધામ અંબાજી તરફ જતા રાજ્ય માર્ગો પર સતત વાહનોની અવરજવર રહે છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી ઇડર શહેરમાં અને મુખ્ય માર્ગો પર રખડતા પશુઓનો ભારે ત્રાસ વધી ગયો હતો. દિવસ તેમજ રાત્રિના સમયે રોડ વચ્ચે જ અડ્ડીંગો જમાવીને બેસતા આ પશુઓને કારણે ટ્રાફિક જામ થવા સાથે અકસ્માતનો સતત ભય રહેતો હતો, જેનાથી શહેરીજનો, વાહનચાલકો અને રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.

આ ગંભીર સમસ્યાને ધ્યાને લઈ અને સ્થાનિકોની અવારનવારની રજૂઆતો બાદ ઇડર નગરપાલિકા તંત્ર આખરે હરકતમાં આવ્યું છે. બુધવારે મોડી રાત્રે પાલિકા સત્તાધીશો દ્વારા શહેરમાં રખડતા પશુઓને પકડવા માટે ખાસ રાત્રિ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

પાલિકા પ્રમુખ, સી.ઓ. સહિતનો કાફલો રાત્રે કામે લાગ્યો

બુધવારે મોડી રાત્રે શરૂ કરાયેલી આ કામગીરી દરમિયાન ચીફ ઓફિસર જૈમિન ચૌધરી, પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ કારોબારી સમિતિના સભ્યો અને પાલિકાની ટીમ જાતે વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગમાં નીકળી હતી. નગરપાલિકાની ટીમ રસ્તા પર પશુઓ પકડવા ઉતરી હોવાના સમાચાર વાયુવેગે પ્રસરતા જ કેટલાક પશુપાલકો પોતાના પશુઓને ઘરે લઈ જવા માટે દોડતા નજરે પડ્યા હતા. આમ છતાં, પાલિકાની ટીમે કડક વલણ દાખવી પ્રથમ રાત્રે જ ૫ થી વધુ રખડતા પશુઓને પકડી પાંજરાપોળ ખાતે મોકલી આપ્યા હતા.

દૂધ દોહીને પશુઓ રોડ પર છોડી દેવાની કુટેવ સામે કડક વલણ

ઇડર નગરપાલિકાના સુત્રોના જણાવ્યા અનુસાર, શહેરના કેટલાક પશુપાલકો પોતાના દૂધાળા પશુઓને સવારે અને સાંજે દૂધ દોહવાના સમયે જ ઘરે લાવે છે. દૂધ દોહ્યા બાદ આ પશુઓને ફરીથી શહેરમાં રખડતા છોડી દેવામાં આવે છે. આ પશુઓ આખો દિવસ અને રાત જાહેર માર્ગો પર બેસી રહેતા હોવાથી વાહનચાલકોનો સમય બરબાદ થાય છે અને ટ્રાફિકની વિકટ સમસ્યા સર્જાય છે.

આગામી ૧૦ દિવસ સુધી ઝુંબેશ યથાવત રહેશે

નગરપાલિકાના સત્તાધીશોએ સ્પષ્ટ કર્યું છે કે રખડતા ઢોરની સમસ્યાથી ઇડરના નાગરિકોને કાયમી મુક્તિ અપાવવા માટે આ ખાસ કાર્યવાહી આગામી ૧૦ દિવસ સુધી સતત ચાલુ રાખવામાં આવશે. જાહેર રોડ પર ઢોર છોડી મુકનાર પશુપાલકો સામે પણ આગામી દિવસોમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!