હિંમતનગર-તલોદમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, બે આરોપી ઝડપાયા

શીતલ ઠાકર,ગાંધીનગર
સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર શહેરમાં મોતીપુરા બાયપાસ રોડ પર શંકાસ્પદ હાલતમાં ઉભેલા બે શખ્શોને પોલીસે ઝડપી પાડતા બંને પાસેથી ચોરીના દાગીના મળી આવ્યા છે. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ એક ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે. ત્રણેય આરોપીઓએ મળીને અઢી માસ અગાઉ હિંમતનગર અને તલોદમાં ઘરફોડ ચોરી આચરી હોવાનો ખુલાસો થયો છે.

મળતી માહિતી મુજબ, હિંમતનગર શહેરના મોતીપુરા વિસ્તારમાં બાયપાસ રોડ પર બે શખ્શો થેલો લઈને શંકાસ્પદ હાલતમાં ઉભા હતા. પેટ્રોલિંગ દરમિયાન પોલીસે તેમની તલાશી લેતા થેલામાંથી સોના અને ચાંદીના દાગીના મળી આવ્યા હતા. પૂછપરછ દરમિયાન બંને શખ્શોએ દાગીના ચોરીના હોવાનું કબૂલ્યું હતું.


પોલીસે બંને પાસેથી અંદાજે રૂ. ૬ લાખ ૭૨ હજારના દાગીના જપ્ત કર્યા છે. તપાસ દરમિયાન ખુલ્યું કે આરોપીઓએ હિંમતનગર શહેરમાં વિજય જ્વેલર્સ તેમજ જલારામ મંદિર રોડ વિસ્તારમાં આવેલા બંધ મકાનોમાં ઘરફોડ ચોરી કરી હતી. ઉપરાંત તલોદમાં પણ એક બંધ મકાનમાં ઘુસીને ચોરી આચરી હોવાનો ભેદ ખુલ્યો છે.

ઝડપાયેલા આરોપીઓના નામ નીચે મુજબ છે:
૧. આનંદ મલજીભાઈ પારઘી, રહે. ઘુઘસ ખુટા ફળીયું, ઘૂઘસ તા. ફતેપુરા જિ. દાહોદ
૨. નીતિશ નગાભાઈ ડોડિયાર, રહે. બોરખેડી ફળીયું, મોટા નટવા, તા. ફતેપુરા જિ. દાહોદ
ફરાર આરોપી:
૧. દિલીપ માનુભાઈ પારઘી, રહે. બલવાસા, તા. થાંદલા જિ. ઝાંબુઆ, મધ્યપ્રદેશ
આ મામલે એસપી ડૉ. પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા ઝડપી અને અસરકારક કામગીરીના કારણે હિંમતનગર અને તલોદ વિસ્તારમાં થયેલી ચોરીની ઘટનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે અને આગળની તપાસ ચાલુ છે.




