સાબરકાંઠામાં રાજકીય દોડધામ તેજ

શીતલ ઠાકર,ગાધીનગર
સાબરકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચુંટણીઓને લઈ રાજકીય પ્રવૃત્તિઓ ઉંચાઈએ પહોંચી ગઈ છે. ઉમેદવારી પત્રોની તપાસ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે તા. ૧૫ એપ્રિલે ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ નજીક આવતા રાજકીય પક્ષો સક્રિય બની ગયા છે અને પરિસ્થિતિ સંભાળવા માટે વ્યૂહાત્મક પ્રયત્નો શરૂ કર્યા છે.
જિલ્લાના અનેક વિસ્તારોમાં પક્ષના નેતાઓ દ્વારા ઉમેદવારો તથા તેમના સમર્થકો સાથે ચર્ચાઓ ચાલી રહી છે. કેટલીક બેઠકો બિનહરીફ રહે તે માટે ભારે પ્રયાસો થઈ રહ્યા છે. સૂત્રો મુજબ, કેટલાક ઉમેદવારોને મનાવવા માટે પ્રલોભનો આપવામાં આવી રહ્યા હોવાની ચર્ચાઓ રાજકીય ગલિયારામાં તેજ બની છે.
માહિતી મુજબ જિલ્લામાં ત્રણ નગરપાલિકા અને એક પેટાચુંટણી સાથે તા. ૨૬ એપ્રિલે મતદાન યોજાવાનું છે. ઉમેદવારી પત્રો માન્ય થયા બાદ રાજકીય ગતિવિધિઓમાં તેજી આવી છે અને ખાસ કરીને કેટલીક મહત્વની બેઠકો પર હરીફાઈ ટાળવા માટે જુદા જુદા ઉપાયો અપનાવવામાં આવી રહ્યા છે.
ચર્ચાઓ એવી પણ છે કે કેટલાક ઉમેદવારોને અજાણ્યા સ્થળોએ લઈ જઈ તેમની સાથે બેઠક કરીને ઉમેદવારી પરત ખેંચવા સમજાવવામાં આવી રહ્યું છે. સાથે જ ભવિષ્યમાં પદ કે અન્ય લાભ આપવાની ઓફરો પણ ચર્ચામાં છે, જેના કારણે ચુંટણી પ્રક્રિયાની પારદર્શકતા અંગે સવાલો ઊભા થઈ રહ્યા છે.
આ સમગ્ર મામલે કોંગ્રેસે ચિંતા વ્યક્ત કરી છે અને શહેર સંગઠનના પ્રતિનિધિઓએ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરી છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો તથા હિંમતનગર, ઈડર, વડાલી અને પ્રાંતિજ નગરપાલિકાની બેઠકોમાં અંતિમ ક્ષણ સુધી રાજકીય ગતિવિધિઓ જોરશોરથી ચાલી રહી છે.
આ વચ્ચે કેટલાક ઉમેદવારો પોતાના સંપર્કથી દૂર જતા રહ્યા હોવાની માહિતી સામે આવી છે, જેના કારણે રાજકીય પરિસ્થિતિ વધુ રસપ્રદ બની છે. તેમ છતાં પક્ષોના નેતાઓ દ્વારા આવા ઉમેદવારો સુધી પહોંચવા પ્રયાસો ચાલુ છે.
હાલમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારો પોતાના સમર્થકો અને મતદારોની પ્રતિક્રિયાને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં સાવચેતી રાખી રહ્યા છે. હવે તા. ૧૫ એપ્રિલ બાદ જ ચુંટણીનું સ્પષ્ટ દૃશ્ય સામે આવશે અને ત્યારબાદ રાજકીય ટક્કર વધુ તીવ્ર બનશે.




