ટેકાના ભાવે મકાઈ-બાજરી ખરીદીમાં ખેડૂતોને હાલાકી ખરીદ કેન્દ્રો પર મૂળભૂત સુવિધાઓના અભાવે ખેડૂતોમાં રોષ

સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મકાઈ અને બાજરીની ખરીદી શરૂ કરવામાં આવી છે, પરંતુ ખરીદ કેન્દ્રો પર પૂરતી સુવિધાઓના અભાવે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઇડર પંથકના ખેડૂતોમાં આ બાબતે રોષની લાગણી જોવા મળી રહી છે.
મળતી માહિતી મુજબ ઇડર તાલુકામાં અગાઉ કાર્યરત રહેલી અને હાલમાં બંધ પડેલી એશિયન સિરામિક ફેક્ટરી ખાતે મકાઈ અને બાજરીની ખરીદી કરવામાં આવી રહી છે. નોંધણી કરાવ્યા બાદ ખેડૂતો પોતાના પાકના વેચાણ માટે ટ્રેક્ટર લઈને ખરીદ કેન્દ્ર પર પહોંચે છે, પરંતુ એક સમયે માત્ર ત્રણ ટ્રેક્ટરની જ પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોવાથી અનેક ખેડૂતોને કલાકો સુધી રાહ જોવી પડે છે.
ખેડૂતોના જણાવ્યા મુજબ ટ્રેક્ટરનું વજન કર્યા બાદ અનાજ ગોડાઉનમાં ઉતારવામાં આવે છે અને ત્યારબાદ ૫૦ કિલોની થેલીઓમાં ભરવાની પ્રક્રિયા કરવામાં આવે છે. સમગ્ર કામગીરી ધીમી ગતિએ ચાલતી હોવાથી ખરીદી પ્રક્રિયામાં વધુ સમય લાગી રહ્યો છે.
ખરીદ કેન્દ્ર ખાતે ખેડૂતો માટે બેસવાની વ્યવસ્થા, છાંયડો તેમજ પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. વધુમાં ખરીદ કેન્દ્ર બજાર વિસ્તારથી દૂર આવેલું હોવાથી ખેડૂતોને અન્ય જરૂરી સુવિધાઓ પણ સરળતાથી ઉપલબ્ધ થતી નથી.
ખેડૂતો દ્વારા તંત્ર સમક્ષ ખરીદ કેન્દ્ર પર છાંયડાની વ્યવસ્થા, બેસવાની સુવિધા, પીવાના પાણી સહિતની મૂળભૂત સુવિધાઓ તાત્કાલિક ઉપલબ્ધ કરાવવા માંગ કરવામાં આવી છે, જેથી ટેકાના ભાવે પાક વેચવા આવતા ખેડૂતોને અનાવશ્યક મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે.





