પ્રકૃતિ મિત્ર ગ્રુપ ગુજરાત દ્વારા ‘પ્રકૃતિ મિત્ર એવોર્ડ–2026’નું ભવ્ય આયોજન

પ્રકૃતિ મિત્ર ગ્રુપ ગુજરાત દ્વારા ‘પ્રકૃતિ મિત્ર એવોર્ડ–2026’નું ભવ્ય આયોજન
ગુજરાતભરના પર્યાવરણપ્રેમીઓનું સન્માન; 1,000થી વધુ ગુજરાતની શાળાઓ સહિત મહારાષ્ટ્ર અને રાજસ્થાનની શાળાઓ પર્યાવરણ અભિયાનમાં જોડાઈ
હડાદ, તા. 11 ઓક્ટોબર 2026:
ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીની પ્રેરણા અને આશીર્વાદથી તથા કિશનચંદ ટેકચંદ પરિવાર, ખેડબ્રહ્માના સૌજન્યથી પ્રકૃતિ મિત્ર ગ્રુપ ગુજરાત દ્વારા ‘પ્રકૃતિ મિત્ર એવોર્ડ–2026’નો ભવ્ય સન્માન સમારોહ વાત્સલ્ય ધામ શિક્ષણ અને સેવા સંકુલ,હડાદ ખાતે યોજાયો હતો.
પ્રકૃતિ સંરક્ષણ, વૃક્ષારોપણ, જીવદયા તથા પર્યાવરણ જાગૃતિના ક્ષેત્રે નિષ્ઠાપૂર્વક અને વિશિષ્ટ કામગીરી કરી રહેલા શિક્ષકો, ખેડૂતો, વેપારીઓ, વિવિધ વ્યવસાયકારો, અધિકારીઓ તેમજ વિવિધ સંસ્થાઓ અને એનજીઓના પ્રતિનિધિઓને પસંદ કરી આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર તાલુકાની શ્રી સુરજપુરા પ્રાથમિક શાળાના શિક્ષિકા શ્રી જીનલકુમારી અશોકસિંહ કુંપાવતને પર્યાવરણ ક્ષેત્રે તેમની નોંધપાત્ર કામગીરી બદલ ‘પ્રકૃતિ મિત્ર એવોર્ડ–2026’ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
25 ઓગસ્ટે એકસાથે વૃક્ષારોપણનું વિશાળ અભિયાન.
પ્રકૃતિ મિત્ર ગ્રુપ ગુજરાત દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષારોપણને જનઆંદોલનનું સ્વરૂપ આપવા માટે સતત વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. ચાલુ વર્ષે ગુજરાતની 1,000થી વધુ શાળાઓ આ પર્યાવરણ અભિયાન સાથે જોડાઈ હતી.
આ તમામ શાળાઓમાં તા. 25 ઓગસ્ટના રોજ એકસાથે વૃક્ષારોપણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેના થકી વિશાળ પાયે વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ સામૂહિક પ્રયાસને વર્લ્ડ રેકોર્ડ સાથે પણ જોડવામાં આવ્યો હતો.
ગુજરાતના વિવિધ જિલ્લાઓના પર્યાવરણ પ્રેમીઓનું સન્માન
‘પ્રકૃતિ મિત્ર એવોર્ડ–2026’ અંતર્ગત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી પર્યાવરણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનારા પ્રકૃતિપ્રેમી મિત્રો અને પર્યાવરણ સેવકોની પસંદગી કરવામાં આવી હતી. તેમને તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવા માટે રિહેન એચ. મહેતા વિદ્યાલય, માંકડીના સમગ્ર સ્ટાફ મિત્રો, પ્રકૃતિ મિત્ર બાળકો તથા વિવિધ જિલ્લાના કન્વીનર મિત્રોએ અથાગ મહેનત અને નિષ્ઠાપૂર્વક સેવાઓ આપી હતી. સૌના સંયુક્ત પ્રયાસોથી સમગ્ર કાર્યક્રમ સુવ્યવસ્થિત રીતે સંપન્ન થયો હતો.
પ્રકૃતિ મિત્ર ગ્રુપ ગુજરાત દ્વારા પર્યાવરણ માટે કાર્યરત તમામ વ્યક્તિઓ અને સંસ્થાઓને જોડીને *‘પ્રકૃતિ બચાવો, વૃક્ષો વાવો અને આવનારી પેઢીને હરિયાળું ભવિષ્ય આપો’*ના સંદેશને વધુ વ્યાપક બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો




