હિંમતનગર એસટી ડેપો ખાતે ચાર નવી બસોનું લોકાર્પણ, ઇન્દોર-જોધપુર રૂટ શરૂ

શીતલ ઠાકર,ગાધીનગર
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે મુસાફરોની સુવિધા વધારવા માટે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (એસટી) દ્વારા મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. રાજ્યભરમાં કુલ ૧૮૨ નવી બસો મુકવાની પ્રક્રિયા હેઠળ હિંમતનગર એસટી ડેપો ખાતે ચાર નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાના હસ્તે બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવી હતી. એસટી નિગમ દ્વારા મુસાફરોને વધુ સુવિધાજનક અને આરામદાયક સેવા મળી રહે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

નવેસરથી શરૂ કરાયેલી આ બસ સેવા અંતર્ગત હિંમતનગરથી ઇન્દોર તથા જોધપુર જેવા લાંબા અંતરના રૂટ પર બસો દોડશે. સાથે જ ઇન્દોરથી હિંમતનગર અને જોધપુરથી હિંમતનગર રૂટ પર પણ આવન-જાવન સુવિધા ઉપલબ્ધ બનશે.
હિંમતનગર એસટી ડેપો ખાતે શરૂ કરાયેલી આ નવી બસો લાંબા અંતરના મુસાફરો માટે મોટી રાહતરૂપ સાબિત થશે અને મુસાફરી વધુ સરળ બનશે. રાજ્ય સરકાર અને એસટી નિગમની આ પહેલથી મુસાફરોને ચોક્કસ રીતે લાભ મળશે.




