ઇડર

સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા ઈડરમાં લોક દરબાર યોજાયો

“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત શહેરીજનોને અપાઈ જાગૃતિ અને માર્ગદર્શન

સાબરકાંઠા જિલ્લા પોલીસ તંત્ર દ્વારા “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમના ભાગરૂપે શુક્રવારે ઈડરની સરપ્રતાપ હાઈસ્કૂલ ખાતે જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં લોક દરબાર યોજાયો હતો. કાર્યક્રમમાં શહેર તથા ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજમાં વ્યાપેલા વ્યાજખોરી જેવા દુષણો સામે જાગૃતિ લાવવાનો તેમજ લોકોમાં કાયદાકીય સમજ વધારવાનો હતો.

જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે અનેક જરૂરિયાતમંદ લોકો મજબૂરીમાં વ્યાજખોરોના ચક્રમાં ફસાઈ જાય છે, જેના કારણે તેઓ આર્થિક અને માનસિક મુશ્કેલીઓનો સામનો કરે છે. કેટલાક તત્વો ગેરકાયદેસર રીતે તગડું વ્યાજ વસૂલી લોકોને પરેશાન કરતા હોવાનું સામે આવતું હોય છે. આવા સંજોગોમાં લોકો ડર્યા વગર પોલીસ અને કાયદાની મદદ લે તે જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું.

લોક દરબાર દરમિયાન ઈડર શહેરની ટ્રાફિક સમસ્યા, દબાણો તથા બસ સ્ટેન્ડ વિસ્તારમાં સર્જાતી અવ્યવસ્થાને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને વલાસણા રોડ અને હિંમતનગર તરફથી આવતા વાહનોને કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે યોગ્ય કામગીરી હાથ ધરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી.

આ ઉપરાંત મુડેટી વિસ્તારમાં નવા પોલીસ મથક શરૂ કરવાની બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી. વિસ્તારમાં અગાઉ સામે આવેલા “લૂંટેલી દુલ્હન” જેવા બનાવોને ધ્યાનમાં રાખી લોકોને સાવચેત રહેવા તેમજ કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી હતી.

આ પ્રસંગે અશ્વિન પટેલ, રામભાઈ સોલંકી, ડો. નિકુંજ દવે, જીનલ સગર, પ્રફુલ સુથાર, ગિરધારીલાલ સોની, જે.ટી. ચૌહાણ, નિમેષભાઈ, પિયુષ દવે, જગદીશ મિસ્ત્રી, કેશુભાઈ રબારી, પીકેશ શાહ તથા કુણાલ સગર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!