સાબરકાંઠા
ત્રણ વર્ષથી ફરાર દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ હિંમતનગર બસ સ્ટેન્ડ આગળથી ઝડપાયો

સાબરકાંઠા એસઓજીએ બાતમીના આધારે રવિવારે હિંમતનગર બસ સ્ટેન્ડ આગળથી અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દારૂની ગેરકાયદે હેરાફેરીના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતો ફરતો શખ્સને ઝડપી પાડ્યો હતો. બાદમાં વધુ તપાસ માટે તેને હિંમતનગર બી-ડીવીઝન પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો.
આ અંગે એસઓજીના ઈન્ચાર્જ પીઆઈ કે.યુ.ચૌધરી તથા સ્ટાફના જણાવ્યા મુજબ રવિવારે બાતમી મળી હતી કે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દારૂના ગુનામાં સંડોવાયેલ કનિશ વિરજી પટેલ (રહે. દેવલ, તા. વીંછીવાડા) હિંમતનગર બસ સ્ટેન્ડ આગળ ઉભો છે. જેના આધારે એસઓજીની ટીમે સ્થળ પર પહોંચી બાતમી મુજબના શખ્સને ઝડપી લીધો હતો. પુછપરછ દરમિયાન તે છેલ્લા ત્રણ વર્ષથી ફરાર હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેને હિંમતનગર બી-ડીવીઝન પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો.




