ઇડર

રેવાસ મહાકાળી મંદિરના મહંતની હત્યાનો ભેદ ૭ મહિના બાદ ઉકેલાયો: ચોરીના ઈરાદે ઘૂસેલા ૫ આરોપીઓ ઝડપાયા

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના રેવાસ ગામની સીમમાં આવેલ મહાકાળી મંદિરમાં સાત મહિના અગાઉ થયેલી મહંત પૂર્ણેશ્વર મહારાજની નિર્મમ હત્યાનો ભેદ ઉકેલવામાં સાબરકાંઠા પોલીસને મોટી સફળતા મળી છે. મંદિરમાં ચોરી કરવાના ઈરાદે ઘૂસેલા પાંચ શખ્સોએ મહંત જાગી જતાં પોતાની ઓળખ છુપાવવા માટે તેમના પર જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા હોવાનો ખુલાસો થયો છે.

રૂ. ૩૫ લાખની લૂંટનો હતો પ્લાન

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, ગત ૨૭ ઓક્ટોબર ૨૦૨૫ની રાત્રે આરોપીઓએ અગાઉથી કરેલી રેકી મુજબ મંદિરમાં પ્રવેશ કર્યો હતો. તેઓ મંદિરમાંથી આશરે રૂ. ૨૦થી ૨૫ લાખના દાગીના અને રૂ. ૧૦ લાખની રોકડ રકમ (કુલ અંદાજે રૂ. ૩૫ લાખ) લૂંટવાની યોજના સાથે આવ્યા હતા. જોકે, ચોમાસાની એ રાત્રે પવન અને વરસાદ વચ્ચે મંદિરમાં અવાજ થતાં મહંત પૂર્ણેશ્વર મહારાજ અચાનક જાગી ગયા હતા. પોતાનો ભાંડો ફૂટી જવાની બીકે ગભરાયેલા પાંચેય શખ્સોએ મહંત પર છરી વડે તીક્ષ્ણ હુમલો કર્યો હતો, જેમાં ગંભીર ઈજાઓ થવાના કારણે મહંતનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

SIT સહિતની ટીમોની મેરેથોન તપાસ

આ ચકચારી ઘટના બાદ ઈડર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. જિલ્લા પોલીસવડા ડો. પાર્થરાજસિંહ ગોહિલ અને નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલના માર્ગદર્શન હેઠળ આ કેસના ઉકેલ માટે ખાસ SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) ની રચના કરવામાં આવી હતી. ઈડર પોલીસ, FSL, SOG અને LCBની સંયુક્ત ટીમોએ ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન સોર્સ અને ઘટનાસ્થળેથી મળેલા પુરાવાઓના આધારે સતત સાત મહિના સુધી મેરેથોન તપાસ ચલાવીને આખરે તમામ પાંચેય આરોપીઓને દબોચી લીધા છે.

પકડાયેલા આરોપીઓની યાદી

પોલીસના સકંજામાં આવેલા પાંચેય આરોપીઓ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના રહેવાસી છે:

  1. હિમેષ ઉર્ફે માર્ટીન પ્રકાશભાઈ અસારી (રહે. વેજપુર, તા. ભિલોડા, જી. અરવલ્લી)

  2. રોહિત જુજારજી વણઝારા (રહે. મુડેટી પાટીયા, તા. ઈડર, જી. સાબરકાંઠા)

  3. અંકુર કાંતીભાઈ પાંડવ (રહે. ઝુમસર છાપરા, તા. ભિલોડા, જી. અરવલ્લી)

  4. રવિ ઉર્ફે જાની ભરતભાઈ વાઘેલા (રહે. ચિત્રોડા, તા. ઈડર, જી. સાબરકાંઠા)

  5. જીતેન્દ્ર ઉર્ફે જેકી રામજીભાઈ અસોડા (રહે. સારણ મલાસા, તા. ભિલોડા, જી. અરવલ્લી)

પોલીસે પાંચેય આરોપીઓની સઘન પૂછપરછ શરૂ કરી છે અને કોર્ટમાંથી તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આ ચકચારી મર્ડર કેસનો ભેદ ઉકેલાતા સ્થાનિક પંથકના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે અને પોલીસની કામગીરીને બિરદાવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!