ઈડરમાં ગેરકાયદે ધમધમતા કોલ સેન્ટર પર એસએમસીનો દરોડો

કલાકોની પુછપરછ અને તપાસ બાદ ૧૦ થી વધુથી લોકોને ઈડર પોલીસ સ્ટેશનમાં લઈ જવાયા
૧ર થી વધુ લેપટોપ, ૧૦ મોબાઈલ સહિત અન્ય સાધન સામગ્રી કબજે લેવાઈ
સતત ૧પ કલાકથી વધુ તપાસનો ધમધમાટ, અધિકારીઓએ મૌન સેવી લીધુ
જીગ્નેશ સોની હિંમતનગર
સાબરકાંઠા જિલ્લાના ઈડર ખાતે આવેલ ભરચક વિસ્તાર સ્થિત એક કોમ્પ્લેક્ષમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદે ધમધમતા કોલ સેન્ટરમાં ચાલતી ગેરકાયદે પ્રવૃતિઓ અંગે તાજેતરમાં સ્ટેટ વિજીલન્સને કેટલાક આધાર પુરાવા સાથે મળેલી વિગતો બાદ એસએમસીની ટીમે સોમવારે મધરાતે અને મંગળવારે વહેલી પરોઢે ટીમ સાથે આવી ઈડરના આ કોલ સેન્ટર પર દરોડો પાડીને દસ્તાવેજી પુરાવાઓની બંધ બારણે તપાસ હાથ ધરી છે.
ત્યાબાદ લગભગ ૧પ કલાકથી વધુ તપાસ અને ૧૦ થી વધુ લોકોની સઘન પુછપરછ કરાયા બાદ મંગળવારે સાંજના સુમારે તપાસનીશ અધિકારીઓએ કોલ સેન્ટરમાં સંડોવાયેલા અને કામ કરતાં ૧૦થી વધુ લોકોની પ્રાથમિક ધોરણે અટકાયત કરી હતી.ત્યારબાદ તેમની પાસેથી એસએમસીની ટીમે ૧ર થી વધુ લેપટોપ,૧૦ મોબાઈલ સહિત કોલ સેન્ટરમાં ઉપયોગમાં લેવાતા અન્ય સાધન સામગ્રી કબજે લીધી હતી.તપાસની પ્રાથમિક કાર્યવાહી પૂર્ણ થયા બાદ પકડાયેલા આ શખ્સોને ઈડર પોલીસ સ્ટેશનમાં લઈ જવાયા હતા. જેથી હવે પછી તેમની વિરૂધ્ધ જ્યારે પણ ફરીયાદ દાખલ થશે તે પછી એસએમસીની ટીમ પુછપરછ દરમ્યાન કોલ સેન્ટર ક્યારથી કેવી રીતે ? અને કોના આર્શિવાદથી ચાલતું હતુ તેની વિગતો બહાર આવે તો નવાઈ નહી.




