ટોચના સમાચાર

હાઈવેના ખોદકામમાં પાણીની મુખ્ય પાઈપ લાઈન તુટી લાખો લીટર પાણી વેડફાયું, રસ્તાઓ પર ચોમાસા જેવી સ્થિતિ

હિંમતનગર શહેરમાંથી પસાર થતા નેશનલ હાઈવે પર સર્વિસ રોડના નિર્માણ કામ દરમ્યાન ફરી એકવાર બેદરકારી સામે આવી છે. બુધવારે પોલીટેકનીક ચાર રસ્તા નજીક જમીનમાંથી પસાર થતી નગરપાલિકાની પીવાના પાણીની પાઈપ લાઈન તુટી જતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો. ઘટનાને કારણે રસ્તા પર ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ હતી અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

મળતી માહિતી મુજબ પોલીટેકનીક ચાર રસ્તા પાસે નેશનલ હાઈવેના સર્વિસ રોડનું કામ ચાલી રહ્યું હતું ત્યારે ખોદકામ દરમ્યાન અચાનક નગરપાલિકા સંચાલિત પાણીની મુખ્ય પાઈપ લાઈનને નુકસાન પહોંચ્યું હતું. પાઈપ લાઈન તુટી જતા સિવિલ રોડ, ઉમા વિદ્યાલય રોડ સહિત આસપાસના માર્ગો પર પાણી ફરી વળ્યું હતું. રસ્તા પર પાણી ભરાઈ જતાં વાહનચાલકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી હતી અને ટ્રાફિકની સ્થિતિ પણ પ્રભાવિત થઈ હતી.

સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો કે શહેરમાં વિવિધ વિભાગો વચ્ચે યોગ્ય સંકલનના અભાવે અવારનવાર આવી ઘટનાઓ બનતી રહે છે. ખોદકામ પહેલાં જમીન નીચે પસાર થતી પાણી, ગેસ અને અન્ય સુવિધાની લાઈનો અંગે પૂરતી માહિતી મેળવવામાં બેદરકારી દાખવાતી હોવાને કારણે જાહેર સંપત્તિને નુકસાન પહોંચે છે અને સામાન્ય નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

પાઈપ લાઈન તુટી જવાને કારણે મોતીપુરા વિસ્તાર તેમજ શારદાકુંજ સોસાયટીના કેટલાક વિસ્તારોમાં ગુરૂવારે સવારે પાણી પુરવઠા પર પણ અસર પડી હતી. ઘટનાની જાણ થતાં જ હિંમતનગર નગરપાલિકાના પાણી પુરવઠા વિભાગનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો અને તાત્કાલિક સમારકામ હાથ ધરાયું હતું. પાણી પુરવઠા વિભાગના વડા અશ્વિન જોષીએ જણાવ્યું હતું કે તુટેલી પાઈપનું વેલ્ડીંગ કામ કરીને લાઈનને વહેલી તકે કાર્યરત કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે શહેરમાં અગાઉ પણ ખોદકામ દરમ્યાન ગેસ લાઈનોને નુકસાન પહોંચવાની ઘટનાઓ બની ચૂકી છે. જેના કારણે અનેક ગેસ ગ્રાહકોને પુરવઠાની સમસ્યા ભોગવવી પડી હતી. શહેરમાં ચાલી રહેલા વિવિધ વિકાસકામોમાં સંકલનનો અભાવ નાગરિકો માટે પરેશાનીનું કારણ બની રહ્યો છે ત્યારે તંત્રએ ખોદકામના સ્થળોએ તકેદારી અને સતત સુપરવિઝન રાખવાની જરૂરિયાત વધુ એકવાર સામે આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!