તલોદની પેપર મીલમાં ભીષણ આગ : સેફ્ટીમાં બેદરકારી કે શોર્ટ સર્કિટ ? લાખોનો માલ ખાખ

સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં કાળઝાર ગરમી વચ્ચે આગની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે તલોદ-મજરા રોડ પર આવેલી શ્રીજી પેપર મીલમાં ગુરુવારે રાત્રે ભીષણ આગ લાગતાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. પેપર જેવી અત્યંત જ્વલનશીલ વસ્તુઓ વચ્ચે લાગેલી આગને લઈ ફેક્ટરીની ફાયર સેફ્ટી વ્યવસ્થા સામે પણ અનેક સવાલો ઊભા થયા છે.
મળતી માહિતી મુજબ તલોદથી મજરા રોડ પર આવેલી શ્રીજી પેપર મીલમાં રાત્રિના સમયે અચાનક આગ ભભૂકી ઊઠી હતી. શરૂઆતમાં સામાન્ય દેખાતી આગ પવનના કારણે થોડી જ વારમાં મીલના અન્ય વિભાગોમાં ફેલાઈ ગઈ હતી. ઘટનાના પગલે કર્મચારીઓ અને સંચાલકોમાં ભારે દોડધામ મચી જવા પામી હતી.
આગની જાણ તલોદ ફાયરબ્રિગેડને રાત્રે અંદાજે ૯:૫૩ કલાકે કરવામાં આવી હતી. પરિસ્થિતિ ગંભીર બનતાં પ્રાંતિજ અને ગાંધીનગર ફાયરબ્રિગેડની ટીમોને પણ તાત્કાલિક મદદ માટે બોલાવવામાં આવી હતી. ત્રણેય ફાયર ટીમોએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી બે મિની ટેન્ડર અને એક બ્રાઉઝરની મદદથી અંદાજે ૨૦ હજાર લીટરથી વધુ પાણીનો મારો ચલાવ્યો હતો. લગભગ પાંચ કલાકની જહેમત બાદ રાત્રે બે વાગ્યે આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી.
સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી, પરંતુ પેપર મીલમાં સંગ્રહિત મોટા પ્રમાણમાં કાચો માલ, તૈયાર માલસામાન તથા મશીનરીને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળે છે. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.
ફેક્ટરીમાં ફાયર સેફ્ટીના પૂરતા સાધનો હતા કે નહીં ? ઇલેક્ટ્રિક વાયરિંગ, શોર્ટ સર્કિટ અથવા અન્ય બેદરકારી જવાબદાર છે કે કેમ ? તે દિશામાં હવે તપાસ જરૂરી બની છે. પેપર જેવી જ્વલનશીલ વસ્તુઓ વચ્ચે આગની આ ગંભીર ઘટનાને લઈ સ્થાનિકોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.



