ઇડર

અધિક માસની સોમવતી અમાસે સપ્તેશ્વર ખાતે દુર્ઘટના નદીમાં ડૂબી જતાં જાદરના યુવકનું મોત

અધિક જેઠ માસની સોમવતી અમાસ નિમિત્તે ઈડર તાલુકાના પ્રસિદ્ધ સપ્તેશ્વર મહાદેવ મંદિરે ત્રિવેણી સંગમમાં સ્નાન અને દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. આ દરમિયાન જાદર ગામના એક યુવકનું નદીમાં ડૂબી જવાથી કરુણ મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

પ્રાપ્ત માહિતી મુજબ અધિક માસનો છેલ્લો દિવસ અને સોમવતી અમાસ હોવાને કારણે સોમવારે વહેલી સવારથી જ સપ્તેશ્વર મહાદેવ ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. શ્રદ્ધાળુઓએ નદીમાં પવિત્ર સ્નાન કરીને ભગવાન શિવના દર્શનનો લાભ લીધો હતો. ભીડના કારણે સાબરમતી નદી કિનારે આવેલા મંદિર વિસ્તાર તેમજ નદીપટમાં કલાકો સુધી ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ હતી.

આ દરમિયાન જાદર ગામના ૨૧ વર્ષીય આર્યન પ્રફુલકુમાર જોશી નદીમાં સ્નાન કરવા ઉતર્યા હતા. ન્હાવા દરમિયાન તેઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક તરવૈયાઓ તાત્કાલિક બચાવ કામગીરીમાં જોડાયા હતા અને યુવકને બહાર કાઢવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં તેનું મોત નિપજ્યું હતું.

ઘટના અંગે જમાદાર રાજુભાઈએ જણાવ્યું હતું કે યુવક નદીમાં ડૂબ્યાની માહિતી મળતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, જોકે ફાયર ટીમ સ્થળ પર પહોંચે તે પહેલા જ સ્થાનિક લોકો અને તરવૈયાઓએ મૃતદેહ બહાર કાઢી લીધો હતો. ઘટનાને પગલે મંદિર વિસ્તારમાં શોકનું માહોલ છવાઈ ગયો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!