ટોપ સ્ટોરીઝ

અકસ્માત બાદ નિવૃત્ત આઈજીને રોકી પૈસાની માંગ સાથે મારામારીના આક્ષેપ, ત્રણ સામે ફરિયાદ

વડાલી પોલીસ મથકની હદમાં આવેલા ધરોઈ ત્રણ રસ્તા હાઈવે પર ભાલુસણા ગામની સીમમાં સર્જાયેલા અકસ્માત બાદ નુકશાનીના પૈસા મુદ્દે થયેલી બોલાચાલી ઉગ્ર બનતાં નિવૃત્ત આઈજી કક્ષાના અધિકારી સાથે મારામારી અને ધમકી અપાઈ હોવાના આક્ષેપો સામે આવ્યા છે. સમગ્ર મામલે વડાલી પોલીસ સ્ટેશનમાં ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે.

ફરિયાદ મુજબ અમદાવાદના નારણપુરા વિસ્તાર ખાતે મહાદેવનગર સ્થિત સ્વસ્તિક રેસીડેન્સીમાં રહેતા અને ગુજરાત પોલીસ વિભાગમાં ઇન્સ્પેક્ટર જનરલ તરીકે ફરજ બજાવી ચૂકેલા નિવૃત્ત અધિકારી નિતીરાજસિંહ ડાહ્યાભાઈ સોલંકી રવિવારે બપોરના સમયે ભાલુસણા ગામની સીમમાંથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન બાઈક નંબર જીજે.૦૯.૮પ૧૮ના ચાલકે બાઈક ગફલતભરી રીતે હંકારી તેમની કાર નંબર જીજે.૧૮બીક્યુ.ર૭૧૧ સાથે અથડાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક ચાલક તથા એક નાની બાળકી ઈજાગ્રસ્ત થયાનું જાણવા મળ્યું છે.

આગળ ફરિયાદમાં જણાવ્યા મુજબ અકસ્માત અંગે જાણ કરવા તેઓ સતલાસણા પોલીસ સ્ટેશન તરફ જઈ રહ્યા હતા ત્યારે ભાલુસણા ગામના કિશોરસિંહ મનહરસિંહ સોલંકી, સંજયસિંહ દિપસિંહ મકવાણા સહિત ત્રણ વ્યક્તિઓએ તેમને રોકી નુકશાનીના પૈસા આપવા મુદ્દે બોલાચાલી કરી હતી. દરમિયાન કાર સળગાવી દેવાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપી ગડદાપાટુનો માર માર્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.

ઘટનાને પગલે વડાલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નિવૃત્ત આઈજી કક્ષાના અધિકારી દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદને કારણે સમગ્ર પોલીસ તંત્રમાં પણ મામલો ચર્ચાનો વિષય બન્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!