વિજયનગર પોલીસની સરાહનીય કામગીરી: “ઓપરેશન મિલાપ” હેઠળ ચાર વર્ષથી ગુમ મહિલા સહિત બે મહિલાઓને શોધી કાઢી

ગુજરાત પોલીસ દ્વારા ગુમ અને અપહરણ થયેલ વ્યક્તિઓને શોધવા માટે ચલાવવામાં આવેલી વિશેષ ઝુંબેશ “ઓપરેશન મિલાપ” અંતર્ગત વિજયનગર પોલીસે નોંધપાત્ર સફળતા મેળવી છે. પોલીસે છેલ્લા ચાર વર્ષથી ગુમ થયેલી એક મહિલા તેમજ એક વર્ષથી ગુમ બીજી મહિલાને શોધી કાઢી તેમના પરિવારજનો સાથે પુનઃમિલન કરાવ્યું છે.
પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીના માર્ગદર્શન હેઠળ તા. 12 જૂનથી 21 જૂન 2026 દરમિયાન રાજ્યભરમાં “ઓપરેશન મિલાપ” ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ અને ખેડબ્રહ્મા વિભાગના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વિજયનગર પોલીસ સ્ટેશન દ્વારા ગુમ થયેલ મહિલાઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન વર્ષ 2023માં નોંધાયેલા ગુમ થયેલા કેસમાં વણઘોલ ગામની 45 વર્ષીય મહિલાને શોધી કાઢવામાં આવી હતી. આ મહિલા 23 મે, 2023ના રોજ ઘરેથી નીકળી ગયા બાદ ગુમ થઈ ગઈ હતી. ઉપરાંત વર્ષ 2025માં નોંધાયેલા અન્ય એક ગુમ વ્યક્તિના કેસમાં ચંદવાસા ગામની 24 વર્ષીય યુવતી, જે 24 ફેબ્રુઆરી, 2025થી ગુમ હતી, તેને પણ પોલીસે શોધી કાઢી હતી.
વિજયનગર પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસની મદદથી સતત તપાસ ચલાવી બંને મહિલાઓનું સફળતાપૂર્વક લોકેશન મેળવી તેમને સુરક્ષિત રીતે શોધી કાઢી છે. પોલીસે જણાવ્યું હતું કે ગુમ થયેલી મહિલાઓને તેમના પરિવારજનો સાથે મિલન કરાવી માનવતાભરી કામગીરી કરવામાં આવી છે.
આ સમગ્ર કામગીરીમાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર બી.ડી. રાઠોડના માર્ગદર્શન હેઠળ WASI નૂતાબેન અરવિંદભાઈ, WHC કાન્તાબેન ડાહ્યાભાઈ તથા APC દિનેશકુમાર નારણભાઈએ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમની મહેનત અને સતર્કતાના પરિણામે વર્ષોથી ગુમ રહેલી મહિલાઓને શોધી કાઢવામાં સફળતા મળી છે.
“ઓપરેશન મિલાપ” અંતર્ગત વિજયનગર પોલીસની આ કામગીરીને સ્થાનિક વિસ્તારમાં પ્રશંસા મળી રહી છે અને પોલીસની સંવેદનશીલતા તથા પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ માનવામાં આવી રહ્યું છે.




