જિલ્લા પોલીસવડાએ ૨૩ પોલીસકર્મીઓની અરસપરસ બદલી કરી
એલસીબી અને એસઓજી સહિત વિવિધ શાખાઓમાં વહીવટી અનુકૂળતા મુજબ નવી નિમણૂકો

સાબરકાંઠા જિલ્લા પોલીસવડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલે વહીવટી અનુકૂળતાને ધ્યાનમાં રાખીને જિલ્લાના લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી), સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) તેમજ અન્ય પોલીસ શાખાઓમાં ફરજ બજાવતા કુલ ૨૩ પોલીસકર્મીઓની અરસપરસ બદલીના આદેશો જાહેર કર્યા છે. આ બદલીઓમાં એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ સહિત ત્રણ મહિલા પોલીસકર્મીઓનો પણ સમાવેશ થાય છે.
મળતી માહિતી મુજબ એલસીબી શાખામાં એક પીઆઈ, ચાર પીએસઆઈ સહિત અંદાજે ૪૦ કર્મચારીઓ જ્યારે એસઓજીમાં એક પીઆઈ, બે પીએસઆઈ સહિત ૨૦ જેટલા પોલીસકર્મીઓ ફરજ બજાવે છે. તાજેતરના આદેશ મુજબ એલસીબીમાંથી ત્રણ પોલીસકર્મીઓને ઈડર, ચિઠોડા અને વિજયનગર પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે. જ્યારે એસઓજીમાંથી સાત પોલીસકર્મીઓને એલસીબી, પ્રાંતિજ, ગાંભોઈ, ઈડર અને વાયરલેસ શાખામાં મુકવામાં આવ્યા છે.
આ ઉપરાંત હિંમતનગર ગ્રામ્ય, જાદર, તલોદ અને ઈડર પોલીસ સ્ટેશન તેમજ એસઓજીમાંથી સાત પોલીસકર્મીઓને એલસીબીમાં ફરજ સોંપવામાં આવી છે. ઈડર અને ગાંભોઈ પોલીસ સ્ટેશનમાંથી બે પોલીસકર્મીઓને હિંમતનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશન તથા પોલીસ હેડક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી છે.
એલસીબીમાં બદલી પામેલા પોલીસકર્મીઓમાં રાજેન્દ્ર ઈશ્વરભાઈ, રાજુભાઈ જયરામભાઈ, બિકેશકુમાર પ્રવિણસિંહ, જયશ્રીબેન સંજયભાઈ, ચિરાગભાઈ ભિખાભાઈ અને ભાવિનકુમાર રસિકલાલનો સમાવેશ થાય છે.
એસઓજીમાં નિમણૂક પામેલા પોલીસકર્મીઓમાં વિનોદભાઈ અરવિંદભાઈ, પ્રકાશભાઈ પ્રભાભાઈ, અનિરૂદ્ધસિંહ, રાજેશકુમાર, વિક્રમસિંહ મંગળસિંહ અને વિક્રમસિંહ રૂમાલસિંહનો સમાવેશ થાય છે.
વાયરલેસ શાખામાં બ્રિજેશકુમાર મણીલાલ પરમાર અને વિશાલ નંદલાલ પરમારની એસઓજીમાંથી બદલી કરવામાં આવી છે. ગોપાલભાઈ પ્રવિણભાઈને પોલીસ હેડક્વાર્ટરથી એસઓજીના એનડીપીએસ સેલમાં જ્યારે કુન્દનસિંહ અનુસિંહને ગાંભોઈ પોલીસ સ્ટેશનથી પોલીસ હેડક્વાર્ટર, હિંમતનગર ખાતે મુકવામાં આવ્યા છે.
નિલમબહેન નારાયણભાઈ, જુલીયેટકુમાર ધનજીભાઈ અને નૃપેશકુમાર અરવિંદભાઈને એલસીબીમાંથી બદલી કરીને અનુક્રમે ઈડર, ચિઠોડા અને વિજયનગર પોલીસ સ્ટેશન ખાતે ફરજ સોંપવામાં આવી છે. ઉપરાંત જયદીપ દિનેશચંદ્રને એસઓજીના એનડીપીએસ સેલમાંથી ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં તથા વિપુલકુમાર ઈશ્વરભાઈને ઈડર પોલીસ સ્ટેશનથી હિંમતનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે.
જિલ્લા પોલીસવડાના આ આદેશોને વહીવટી વ્યવસ્થાને વધુ કાર્યક્ષમ બનાવવા તથા વિવિધ શાખાઓમાં માનવબળનું સંતુલન જાળવવાના ભાગરૂપે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે.




