સાબરકાંઠામાં નવજાત બાળકીના વેચાણનું રેકેટ ઝડપાયું, ચાર આરોપી ઝડપાયા, અત્યાર સુધીમાં ૧૨ બાળકોના વેચાણની કબૂલાત

સાબરકાંઠામાં નવજાત બાળકીના વેચાણનું રેકેટ ઝડપાયું, ચાર આરોપી ઝડપાયા, અત્યાર સુધીમાં ૧૨ બાળકોના વેચાણની કબૂલાત
સાબરકાંઠા જિલ્લાની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU)એ માનવ તસ્કરીના એક મોટા રેકેટનો પર્દાફાશ કરી નવજાત બાળકીના વેચાણ માટે જઈ રહેલા ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે એક મહિલા આરોપી હજુ ફરાર છે.
નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલની સૂચનાથી AHTUના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. વાળાના નેતૃત્વમાં ટીમ જિલ્લામાં પેટ્રોલિંગ કરી રહી હતી, ત્યારે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારના રાજપુર ગામ નજીક બાતમીના આધારે એક સફેદ રંગની ઇકો ગાડી (નં. GJ-27-TT-7650)ને રોકવામાં આવી. તપાસ દરમિયાન ગાડીમાંથી એક નવજાત બાળકી તથા આરોપીઓ મળી આવ્યા હતા.
પૂછપરછમાં આરોપીઓએ કબૂલ્યું કે તેઓ બાળકીને વેચાણ માટે લઈ જઈ રહ્યા હતા. પોલીસે તમામને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનને સોંપ્યા છે. બાળકી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. વધુ પૂછપરછમાં આરોપીઓએ સંયુક્ત રીતે કુલ ૧૨ બાળકોના વેચાણની ચોંકાવનારી કબૂલાત કરી છે.
આરોપીઓની ભૂમિકા:
- દેવીલાલ ગુજરાભાઈ ગમાર (બોરડી, કોટડા, ઉદેપુર-રાજસ્થાન) – મુખ્ય દલાલ, કમિશન પેટે નાણાં મેળવનાર (અટકાયત)
- સીતારામ પરમાર (ઢેઢમારીયા, કોટડા, ઉદેપુર-રાજસ્થાન) – મુખ્ય દલાલ, મુંબઈ ખાતે બાળકો વેચનાર (ફરાર)
- કવીતાબેન (મુંબઈ) – બાળક ખરીદનાર (ફરાર)
- પ્રવીણભાઈ ધ્રાગી (પેડચોલી, અમીરગઢ, બનાસકાંઠા) – સબ એજન્ટ (અટકાયત)
- દિનેશભાઈ ધ્રાગી (પેડચોલી, અમીરગઢ, બનાસકાંઠા) – સબ એજન્ટ, માતા-પિતા પાસેથી બાળક મેળવી ડીલ કરનાર (અટકાયત)
- પોપટભાઈ ગમાર (પટારાફળો, પોશીના, સાબરકાંઠા) – બાળકીના પિતા (અટકાયત)
- બબીબેન (પટારાફળો, પોશીના, સાબરકાંઠા) – બાળકીની માતા
આ કામગીરીમાં AHTU અને SOGના પોલીસ કર્મચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.




