પ્રાંતિજના લીમલા તળાવમાંથી કાર ફાઇનાન્સ મેનેજરની તીક્ષ્ણ હથિયારોથી ઘાતકી હત્યા કરાયેલી લાશ મળી
પ્રેમપ્રકરણ કે અદાવતમાં હત્યા કરાઈ હોવાની પોલીસને આશંકા: LCB, SOG સહિતની ટીમો તપાસમાં જોતરાઈ

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના લીમલા ગામે આવેલ તળાવમાંથી બુધવારે રાત્રે ૪૨ વર્ષીય યુવકની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી ક્રૂરતાપૂર્વક હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ પ્રાંતિજ પોલીસ, LCB, SOG, ડોગ સ્કવોડ અને FSLની ટીમોએ સ્થળ પર પહોંચી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, બુધવારે રાત્રે કેટલાક અજાણ્યા શખ્સોએ કારમાં આવી યુવક પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી તેને લોહીલુહાણ કરી દીધો હતો અને મૃતદેહને તળાવ નજીક ફેંકી ફરાર થઈ ગયા હતા. ગુરુવારે વહેલી સવારે સ્થાનિક ગ્રામજનોએ પ્રાંતિજ પોલીસને જાણ કરતાં PI ડી.આર. પઢેરીયા અને કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે સ્થળ નિરીક્ષણ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પ્રાંતિજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો.
મૃતકની ઓળખ પ્રસ્થાપિત
પોલીસ તપાસ દરમિયાન મૃતક ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામના ભરત કાંતિભાઈ ચૌધરી (ઉં.વ. ૪૨) હોવાનું ખુલ્યું છે. મૃતક યુવક માણસા સ્થિત ‘IIFL’ નામની ખાનગી ફાઇનાન્સ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.
કારમાંથી લોહીના નમૂના મળ્યા
ઘટનાસ્થળેથી પાર્ક કરેલી કાર (નં. GJ-27-BS-9166) મળી આવી છે. કારના બોનેટ અને દરવાજા પર લોહીના ડાઘ મળી આવ્યા છે, જેના પરથી પ્રાથમિક અનુમાન છે કે યુવક પર કારની અંદર જ હુમલો કર્યા બાદ તેને બહાર ફેંકી દેવાયો હતો.
પ્રેમપ્રકરણ કે અદાવતની આશંકા
મૃતક પાસે મળેલા મોબાઈલની તપાસ કરતા છેલ્લે એક યુવતી સાથે વાત થઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસે પ્રેમપ્રકરણ, અંગત વેરઝેર કે અદાવતના વિષયને ધ્યાને રાખી તપાસ હાથ ધરી છે. આ મામલે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં BNS કલમ ૧૦૩ (૧) તથા અન્ય કલમો હેઠળ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી CCTV ફૂટેજ અને કોલ ડિટેલ્સના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.




