ભિલોડા-ઇડર રોડ પર જુમસર પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત: કારની ટક્કરમાં દંપતીનું કરૂણ મોત

ભિલોડા-ઇડર રોડ પર આવેલ જુમસર પાટિયા નજીક આજે એક અત્યંત ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલી કારની ટક્કરે રસ્તો ઓળંગી રહેલા દંપતીના સ્થળ પર જ દર્દનાક મોત નીપજ્યા છે.
મળતી વિગતો મુજબ, જુમસર પાટિયા પાસે બસમાંથી ઉતરીને રસ્તો ઓળંગી રહેલા પતિ-પત્નીને એક સફેદ રંગની કારે જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે દંપતી રોડ પર ફેંકાઈ ગયું હતું અને ગંભીર ઇજાઓ પહોંચવાના કારણે બંનેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ બેકાબૂ બનેલી કાર રોડની સાઇડમાં આવેલી ઝાડીઓમાં ઘૂસી ગઈ હતી.
અકસ્માતમાં મરણ જનાર દંપતીની ઓળખ મઉ ગામના રહીશ પરમાર મૂળાભાઈ ગોવાભાઈ (ઉંમર વર્ષ ૬૦) અને દીવાબેન મૂળાભાઈ પરમાર (ઉંમર વર્ષ ૫૫) તરીકે થઈ છે.
બનાવની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકોના ટોળા ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવતા, પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહોને પંચનામું કરી આગળની કાર્યવાહી અર્થે ખસેડી કાયદેસરની તપાસ હાથ ધરી છે.




