અંબાજી દર્શન કરી પરત ફરતા સીમલવાડાના યુવકને નડ્યો કાળમુખો અકસ્માત: એસ.ટી. બસની ટક્કરે બાઇક સવારનું મોત

અંબાજી દર્શન કરી પરત ફરતા સીમલવાડાના યુવકને નડ્યો કાળમુખો અકસ્માત: એસ.ટી. બસની ટક્કરે બાઇક સવારનું મોત
હડાદ / દાંતા:
દાંતા-હડાદ માર્ગ પર આવેલા મહોબતગઢ પાસે ગુરુવારે મોડી રાત્રે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક યુવકનું ઘટનાસ્થળે જ દર્દનાક મોત નીપજ્યું છે .
મળતી માહિતી મુજબ, રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના સીમલવાડા તાલુકાના સિદડી (ખેરવાડા) ગામના યુવકો અંબાજી મંદિરે દર્શન કરીને પોતાની બાઇક પર નિજ નિવાસ્થાને પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન મહોબતગઢ પાસે સામેથી આવી રહેલી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસ.ટી.)ની બસના ચાલકે ગફલતભરી રીતે ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. ઓવરટેકિંગ દરમિયાન એસ.ટી. બસે બાઇકને જોરદાર ટક્કર મારી હતી.
અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક ચાલકના મોં પરથી બસનું ટાયર ફરી વળ્યું હતું, જેના કારણે સિદડી ગામના જોતરામ રોટનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને વાહનચાલકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
બનાવ અંગે ૧૧૨ ઇમરજન્સી સેવાને જાણ કરવામાં આવતા કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. ૧૧૨ ની મદદથી સારવાર અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અકસ્માત બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી એસ.ટી. બસના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.




