

ભારતમાં સ્વદેશી ટેકનોલોજીથી બનેલી અને આધુનિક સુવિધાઓથી સજ્જ ‘વંદે ભારત એક્સપ્રેસ’ ટ્રેનમાં મુસાફરી કરવી એ દરેક દેશવાસી માટે ગર્વની બાબત છે. ત્યારે હવે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના મુસાફરો માટે પણ અત્યંત આનંદના સમાચાર સામે આવ્યા છે. દક્ષિણ ગુજરાતના સુરત શહેરથી રાજસ્થાનના પ્રવાસન ધામ ઉદયપુર વચ્ચે ચાલનારી વંદે ભારત ટ્રેનની નિયમિત સેવાઓ આગામી ૪ ઓક્ટોબરથી વિધિવત રીતે શરૂ થવા જઈ રહી છે. આ ટ્રેનને હિંમતનગર અને શામળાજી રોડ સ્ટેશન ખાતે મહત્વપૂર્ણ સ્ટોપેજ આપવામાં આવ્યું છે.
નિયમિત સેવાઓ શરૂ થાય તે પૂર્વે રેલવે વિભાગ દ્વારા વંદે ભારત ટ્રેનનું સફળ ટ્રાયલ રન યોજવામાં આવ્યું હતું. હિંમતનગરથી શામળાજી સુધી યોજાયેલા આ ટ્રાયલ રનમાં સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારૈયા, જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંધુ, જિલ્લા વિકાસ અધિકારી, સાબરકાંઠા જિલ્લા ભાજપ મહામંત્રી પ્રેમલભાઈ દેસાઈ તથા પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા સહિત સ્થાનિક અગ્રણીઓ અને અધિકારીઓએ ઉત્સાહભેર જોડાઈને પ્રવાસનો અનુભવ મેળવ્યો હતો.
યાત્રાળુઓ અને વેપારીઓને મોટો ફાયદો સુરત-ઉદયપુર વંદે ભારત ટ્રેન શરૂ થવાથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લોકોને સુરત, અમદાવાદ અને ઉદયપુર તરફ ઝડપી, સુરક્ષિત અને સુવિધાજનક પ્રવાસનો લાભ મળશે. ખાસ કરીને પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે દર્શનાર્થે આવતા હજારો શ્રદ્ધાળુઓ માટે આ સ્ટોપેજ આશીર્વાદરૂપ સાબિત થશે. ટ્રેનના આયોજિત સમયપત્રકને કારણે મુસાફરો લગ્નપ્રસંગ, વેપાર-ધંધાકીય ખરીદી કે અન્ય કામકાજ માટે સરળતાથી એક જ દિવસમાં મુસાફરી પૂર્ણ કરી શકશે.
રેલવેની સુવિધાઓ જાળવવા અપીલ વંદે ભારત ટ્રેનમાં મુસાફરોને વૈશ્વિક સ્તરની સુરક્ષિત અને આરામદાયક પ્રવાસ સુવિધા મળશે. ટ્રેનની શરૂઆત પ્રસંગે સાંસદ શોભનાબેન બારૈયા સહિતના આગેવાનોએ તમામ મુસાફરોને આધુનિક રેલવે સુવિધાઓનો યોગ્ય ઉપયોગ કરવા તેમજ ટ્રેનની અંદર અને સ્ટેશન પરિસરમાં સ્વચ્છતા જાળવી રાખવા માટે ખાસ અપીલ કરી હતી.




