દયાપર મામલતદાર કચેરીમાં મહેસૂલ વિભાગના કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શનમાં જોડાયા

લખપત તાલુકાના દયાપર ખાતે આવેલી ‘મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની કચેરી’ ખાતે મહેસૂલ વિભાગના કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરીને પોતાની ફરજ બજાવી અનોખી રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
પોતાના પડતર પ્રશ્નો અને વિવિધ વ્યાજબી માંગણીઓ સંદર્ભે મહેસૂલી કર્મચારીઓ દ્વારા આ કાળી પટ્ટી ધારણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કચેરી ખાતે એકત્ર થયેલા કર્મચારીઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, જ્યાં સુધી તેમના વિવિધ પ્રશ્નોનું યોગ્ય અને સંતોષકારક નિરાકરણ નહીં લાવવામાં આવે, ત્યાં સુધી કર્મચારીઓ આ જ રીતે કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ સાથે પ્રતીકાત્મક રીતે ફરજ બજાવવાનું ચાલુ રાખશે.
અત્રે ઉલ્લેખનીય છે કે કર્મચારીઓએ સરકારી કામગીરીને અટકાવ્યા વગર, પોતાની ફરજ ચાલુ રાખીને આ વિરોધ વ્યક્ત કર્યો હતો. આગામી સમયમાં જો પ્રશ્નો ઉકેલાશે નહીં તો વિરોધ પ્રદર્શન વધુ તીવ્ર બને તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે.



