સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ
મુખ્ય માલિક, મેનેજર સહિત ગ્રાહકો ઝડપાયા; ડમી ગ્રાહક મોકલી પોલીસે પાડી રેડ

રાજ્યમાં અવારનવાર સ્પા સેન્ટરોની આડમાં ગેરકાયદે દેહવ્યાપારના કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પોલીસે એક મોટા રેકેટનો પર્દાફાશ કરતાં સ્પાના મુખ્ય માલિક, મેનેજર સહિત ગ્રાહકોની ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ, ઓઢવ એસ.પી. રિંગ રોડ પર આવેલા જાહન્વી આર્કેડના બીજા માળે દુકાન નંબર-૧૦૯માં ‘ધી બ્લીસ થાઈ સ્પા’ નામે બહારના રાજ્યોમાંથી મહિલાઓ લાવી ગેરકાયદે દેહવ્યાપાર ચલાવવામાં આવતો હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી.
બાતમીના આધારે પોલીસે પંચોની હાજરીમાં ડમી ગ્રાહક તૈયાર કરી સ્પામાં મોકલ્યો હતો. અંદર યુવતી સાથે શારીરિક સંબંધ માટે સોદો નક્કી થતાં જ ડમી ગ્રાહકે બહાર હાજર પોલીસ ટીમને સંકેત આપ્યો હતો. સંકેત મળતા જ પોલીસે સ્પા સેન્ટર પર દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડા દરમિયાન પોલીસે કાઉન્ટર પરથી મેનેજર અભિષેક રાઠોડ તેમજ મુખ્ય માલિક આફરોઝ ઉર્ફે સેજુ શાહીદખાન પઠાણ અને તેના મિત્ર કૃષ્ણાને ઝડપી પાડ્યા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે મુખ્ય માલિક બહારના રાજ્યોમાંથી મહિલાઓને માસિક પગારે રાખી તેમની પાસેથી દેહવ્યાપાર કરાવતો હતો.
મહિલા પોલીસ કર્મચારીઓની હાજરીમાં સ્પાના કુલ છ રૂમોની તપાસ દરમિયાન રૂમ નંબર-૪માંથી ડમી ગ્રાહક સાથે ત્રિપુરાની યુવતી મળી આવી હતી. રૂમ નંબર-૩માંથી એક ગ્રાહક અને મહારાષ્ટ્રની મહિલા થેરાપિસ્ટ ઝડપાયા હતા, જ્યારે રૂમ નંબર-૧માંથી ત્રિપુરાની ત્રણ યુવતીઓ મળી આવી હતી.
પોલીસે સ્થળ પરથી રોકડ રકમ, મોબાઇલ ફોન તેમજ અન્ય સામગ્રી કબ્જે લીધી છે. આરોપીઓ સામે ઈમોરલ ટ્રાફિકિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર રેકેટમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે નહીં તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.




