ચોરીના ગુન્હાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલતી હિંમતનગર ‘એ’ ડિવિઝન પોલીસ: ૨ બાઇક સાથે આરોપી ડિટેઇન

સાબરકાંઠા જિલ્લામાં મિલકત સબંધી ચોરીના બનાવો અટકાવવા તથા ચોરોને પકડી પાડવા સારૂં સાબરકાંઠા પોલીસ અધિક્ષકશ્રી ડો. પાર્થરાજસિંહ ગોહિલ (IPS) તથા નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવના માર્ગદર્શન હેઠળ વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત હિંમતનગર ‘એ’ ડિવિઝન પોલીસ ઈન્સ્પેક્ટર કે.વાય. વ્યાસ તથા સર્વેલન્સ સ્કોડના ઈન્ચાર્જ પીએસઆઈ કે.એલ. જાડેજાની ટીમે પ્રશંસનીય કામગીરી કરી બાઇક ચોરીનો ભેદ ઉકેલ્યો છે.
તા. ૨૭/૦૯/૨૦૨૬ ના રોજ નાઇટ રાઉન્ડ દરમિયાન ASI મો.સલીમ ઇકબાલહુસેન (બ.નં. ૩૫૩) તથા અ.હે.કો. હરપાલસિંહ હરીશચંદ્રસિંહ (બ.નં. ૯૬) વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. ગોકુલનગર ફાટક પાસે એક ઇસમ શંકાસ્પદ હાલતમાં મોટરસાયકલ લઇને આવતા તેને ટોર્ચ લાઈટના ઈશારે રોકી પુછપરછ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ઇસમ નશાની હાલતમાં જણાયો હતો.
યુક્તિ-પ્રયુક્તિથી કડક પૂછપરછ કરતા આરોપી સરવણ ઉર્ફે શ્રવણ કાળુભાઇ વાદી (ઉ.વ. ૨૯, રહે. ગોવાવાડા, ખેરવાડા, જિ. ઉદયપુર, રાજસ્થાન) એ સ્વીકાર્યું હતું કે તેણે તા. ૨૬/૦૯/૨૦૨૬ ના રોજ ગાંધીનગર સેક્ટર-૦૬ ના ગેરેજ પાસેથી હીરો હોન્ડા સ્પેલન્ડર (GJ-18-J-6013) ની ચોરી કરી હતી. જે અંગે ગાંધીનગર સેક્ટર-૦૭ પોલીસ સ્ટેશનમાં BNS કલમ ૩૦૩(૨) હેઠળ ગુનો નોંધાયેલ છે.
વધુ પૂછપરછમાં આરોપીએ આશરે ૧૫ દિવસ અગાઉ ગાંધીનગર એસ.ટી. બસ સ્ટેન્ડ નજીકથી પણ અન્ય એક સ્પેલન્ડર બાઇક (GJ-18-DM-3463) ની ચોરી કર્યાની કબૂલાત કરી હતી, જે છાપરીયા કેનાલ પાસે છુપાવેલું હતું. પોલીસે સ્થળ પરથી રૂ. ૨૫,૦૦૦ ની કિંમતનું બીજું બાઇક પણ કબ્જે કર્યું છે.
| નામ-ઠામ | સરવણ ઉર્ફે શ્રવણ કાળુભાઇ વાદી (ઉ.વ. ૨૯) |
|---|---|
| રેસિડેન્સ | ગોવાવાડા, તા. ખેરવાડા, જિ. ઉદયપુર (રાજસ્થાન) |
| દાખલ ગુના | MV એક્ટ કલમ-૧૮૫, પ્રોહી. એક્ટ કલમ-૬૬(૧)બી, BNS કલમ-૩૦૩(૨) |
- કે.એલ. જાડેજા (પો.સબ.ઇન્સ.)
- એ.એસ.આઇ. મો.સલીમ ઇકબાલહુસેન
- અ.હે.કો. હરપાલસિંહ હરીશચંદ્રસિંહ
- આ.પો.કો. કુલદિપસિંહ નરેન્દ્રસિંહ
- અ.પો.કો. મિતેશકુમાર & અ.પો.કો. હિતેન્દ્રસિંહ




