હિંમતનગર પાલિકાનો ‘ગરીબો પર ગાજ,કાયમી દબાણકારો સામે મૌન કેમ..?

હિંમતનગરના મહાવીરનગરમાં પાલિકાની ઓચિંતી કાર્યવાહીથી પાથરણા વેપારીઓમાં ભારે રોષ: ચણિયાચોળીનો માલ જપ્ત કરાતા વિરોધ

હિંમતનગર શહેરના મુખ્ય અને વ્યસ્ત ગણાતા મહાવીરનગર વિસ્તારમાં નગરપાલિકાની ટીમ દ્વારા ઓચિંતી દબાણ હટાવ કાર્યવાહી કરવામાં આવતાં ના નાના અને પાથરણા વેપારીઓમાં ભારે રોષની લાગણી જન્મી છે. નવરાત્રી અને તહેવારોની સીઝનને ધ્યાનમાં રાખીને રોડ કિનારે ચણિયાચોળીનો વેપાર કરી રહેલા ગરીબ પાથરણા ધારકો સામે પાલિકાની ટીમે અચાનક કાર્યવાહી હાથ ધરીને તેમનો તમામ માલ-સામાન ટ્રેક્ટરમાં ભરી લેતાં વેપારીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.
સ્થાનિકો અને પીડિત વેપારીઓના જણાવ્યા અનુસાર, વર્ષમાં આવતી મુખ્ય સીઝન દરમિયાન પાથરણા પર નાનો-મોટો વેપાર કરીને તેઓ પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે. આવા સમયે જ પાલિકા દ્વારા કોઈ પૂર્વ સૂચના વગર ઓચિંતી આકરી કાર્યવાહી કરવામાં આવતા સામાન્ય વેપારીઓ આર્થિક મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ ઘટનાને પગલે ઘટનાસ્થળે સ્થાનિક રહીશો પણ એકઠા થઈ ગયા હતા અને પાલિકાની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.
કાયમી દબાણો સામે આંખ આડા કાન કેમ? નગરપાલિકાની આ દ્વિમુખી નીતિ સામે સ્થાનિકો અને વેપારીઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. લોકોનો આક્ષેપ છે કે શહેરમાં અનેક જગ્યાએ પાર્કિંગ પોઈન્ટ, જાહેર રસ્તાઓ અને મુખ્ય માર્ગો પર કાયમી ધોરણે થયેલા મોટા દબાણો તેમજ લારી-ગલ્લાઓ સામે પાલિકાનું તંત્ર તદ્દન આંખ આડા કાન કરી રહ્યું છે. કાયમી અને પ્રભાવશાળી દબાણકર્તાઓ સામે કોઈ પગલાં ભરવાને બદલે પાલિકા માત્ર ગરીબ અને સામાન્ય પાથરણા વેપારીઓ પર જ પોતાનો રોફ જમાવી રહી છે.
ગરીબ વેપારીઓ સામે જ ત્વરિત કાર્યવાહી અને કાયમી દબાણો સામે પાલિકાની રહસ્યમય ચૂપકીદીને લઈને હવે શહેરભરમાં નગરપાલિકાની કામગીરી સામે વિરોધના સૂરો ઉઠી રહ્યા છે.




