ગાંભોઈ પાસે હોટલ કોમ્પ્લેક્ષની બંધ દુકાનમાંથી ₹૨.૫૮ લાખનો વિદેશી દારૂ-બીયર ઝડપાયો: કુલ ₹૪.૫૮ લાખનો મુદ્દામાલ જપ્ત

સાબરકાંઠા જિલ્લાના ગાંભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ નાબૂદ કરવા હાથ ધરાયેલી ઝુંબેશ અંતર્ગત ગાંભોઈ પોલીસે એક મોટી સફળતા મેળવી છે. હિંમતનગર-ગાંભોઈ બ્રિજ નજીક આવેલી એક હોટલના કોમ્પ્લેક્ષમાં બંધ દુકાનમાં ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઉતારતી વખતે પોલીસે રેડ પાડીને ₹૨,૫૮,૧૫૨/- કિંમતની વિદેશી દારૂ તથા બીયરની બોટલો તેમજ અલ્ટો ગાડી મળી કુલ ₹૪,૫૮,૧૫૨/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
ખાનગી બાતમીના આધારે પોલીસે પાડી રેડ
પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (ગાંધીનગર વિભાગ) અને સાબરકાંઠા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલની સૂચનાથી ગાંભોઈ પોલીસ ઇન્સ્પેક્ટર એ. આર. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર વોચ રાખવામાં આવી રહી હતી.
દરમિયાન, પી.એસ.આઈ. પી.એચ. ડોડીયાને ખાનગી બાતમીદારથી બાતમી મળી હતી કે, હિંમતનગરથી ગાંભોઈ તરફ આવતા સર્વિસ રોડ પર આવેલ ‘ક્રિષ્ણા હોટલ’ કોમ્પ્લેક્ષના પાછળના ભાગે કેટલાક ઇસમો અલ્ટો ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ બંધ દુકાનમાં ઉતારી રહ્યા છે.
રૂ. ૪.૫૮ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
બાતમીના આધારે ગાંભોઈ પોલીસ ટીમે સ્થળ પર દરોડો પાડતા સફેદ રંગની મારુતિ સુઝુકી અલ્ટો ગાડી (રજી. નં. GJ-09-BB-1948) તથા બંધ દુકાનમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ અને બીયરની કુલ ૭૧૫ બોટલો/ટીન મળી આવ્યા હતા.
પોલીસે નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કર્યો છે:
-
વિદેશી દારૂ તથા બીયરનો જથ્થો (૭૧૫ નંગ): રૂ. ૨,૫૮,૧૫૨/-
-
મારુતિ અલ્ટો ગાડી (GJ-09-BB-1948): રૂ. ૨,૦૦,૦૦૦/-
-
કુલ જપ્ત મુદ્દામાલ: રૂ. ૪,૫૮,૧૫૨/-
પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ
આ મામલે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ ૬૫(એ), (ઈ) મુજબ ગુનો (ગુભા નં. ૧૧૨૦૯૦૧૪૨૬૦૭૬૬/૨૦૨૬) નોંધવામાં આવ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
કામગીરી કરનાર પોલીસ ટીમ:
પી.એસ.આઈ. પી.એચ. ડોડીયા, એ.એસ.આઈ. કાળુભાઈ દેવાભાઈ (બ.નં. ૯૪૫), અ.પો.કો. સુરેશકુમાર અંબાલાલ (બ.નં. ૧૦૨૩), અ.પો.કો. મહિપાલસિંહ ચંદુસિંહ (બ.નં. ૯૪૧) અને અ.પો.કો. ઇન્દ્રરાજસિંહ દિલીપસિંહ (બ.નં. ૨૮૧).




