સાબરકાંઠામાં આજથી રાષ્ટ્રીય HPV રસીકરણ અભિયાનનો પ્રારંભ
જિલ્લામાં ૫૦ આરોગ્ય કેન્દ્ર અને ૧૩ સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં રસીકરણ

સાબરકાંઠા જિલ્લામાં આજથી રાષ્ટ્રીય HPV રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. હિંમતનગરના અર્બન સિવિલ હોસ્પિટલ ખાતે જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. રાજ સુતરીયાની ઉપસ્થિતિમાં અભિયાનનો શુભારંભ કરાયો હતો.જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા દીકરીઓના સ્વાસ્થ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ અભિયાન હાથ ધરાયું છે. ગર્ભાશયના મુખના કેન્સર જેવી ગંભીર અને જીવલેણ બીમારી સામે રક્ષણ આપવા આજે રસી, કાલે સુરક્ષા મંત્ર સાથે રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે. જિલ્લાના ૫૦ આરોગ્ય કેન્દ્રો અને ૧૩ સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં સવારે ૯ વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી રસી આપવામાં આવશે. જિલ્લામાં કુલ ૪૦૦૦ ડોઝ ઉપલબ્ધ થયા છે. ૧૪ વર્ષ પૂર્ણ કરી ૧૫ વર્ષ પૂર્ણ ન થયેલી ૧૪,૧૫૫ દીકરીઓને રસી આપવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે અને સાત દિવસમાં આ કામગીરી પૂર્ણ કરવાની યોજના છે. હિંમતનગર અર્બન સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયેલા પ્રારંભિક કાર્યક્રમમાં 20થી વધુ દીકરીઓને રસી આપવામાં આવી હતી. જાયન્ટ્સ સહિયર ગ્રુપ હિંમતનગર પણ આ અભિયાનમાં જોડાયું હતું અને દીકરીઓને પ્રોત્સાહિત કરી હતી. જિલ્લા આરોગ્ય અધિકારીએ વાલીઓને અપીલ કરી છે કે તેઓ પોતાની દીકરીઓને સમયસર HPV રસી અપાવી સરકારના આ મહત્વપૂર્ણ અભિયાનનો લાભ લે અને ગર્ભાશયના કેન્સર જેવી ગંભીર બીમારીથી સુરક્ષિત રાખે છે. જોકે હિંમતનગર અર્બન સિવિલ હોસ્પિટલમાં ૨૦ થી વધુ દીકરીઓને રસી આપવામાં આવી હતી.








