વાવડીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, ગાંભોઇ પોલીસે ગામના જ યુવાનને મુદ્દામાલ સાથે ઝડપી લીધો

શીતલ ઠાકર,ગાંધીનગર
હિંમતનગર તાલુકાના ગાંભોઇ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ વાવડી ગામે બે દિવસ અગાઉ એક મકાનમાં આશરે રૂપિયા 8.36 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા રોકડની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ હતી.
ફરિયાદના આધારે ગાંભોઇ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે વાવડી ગામના જ સુનિલસિંહ બાદલસિંહ મકવાણાને શકમંદ તરીકે અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી હતી.કડક પૂછપરછ દરમિયાન આરોપીએ જશવંતસિંહ બાલુસિંહ મકવાણાના ઘરમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. તેમજ ચોરાયેલ સોના-ચાંદીના દાગીના અને રોકડ ડુંગર ઉપર એક સ્થળે સંતાડી રાખ્યા હોવાનું જણાવ્યું હતું.પોલીસે આરોપીને સાથે રાખી સ્થળ પરથી આશરે રૂપિયા 8.36 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગાંભોઇ પોલીસે ટૂંકા સમયમાં ચોરીનો ભેદ ઉકેલી સફળ કામગીરી કરી છે.



