હિમતનગર

હુંજના રાયાંકંપા તળાવની સરકારી જમીનમાં ગેરકાયદે ફેન્સિંગના આક્ષેપ, લિકેજ બંધ કરવાની ગ્રામજનોની માંગ

હિંમતનગર તાલુકાના હુંજ ગામની સીમમાં આવેલા રાયાંકંપા તળાવની સરકારી જમીનમાં કેટલાક શખ્સોએ ગેરકાયદે કબ્જો કરીને ફેન્સિંગ કરી દીધાના આક્ષેપો વચ્ચે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. સાથે જ તળાવમાંથી થતા લિકેજને સત્વરે બંધ કરી તળાવનું સંરક્ષણ કરવા ગ્રામજનો અને ખેડૂતો દ્વારા માંગ ઉઠી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર રાયાંકંપા તળાવને વરસાદી પાણીના સંગ્રહ અને આસપાસના વિસ્તારના ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવાના હેતુથી સિંચાઈ વિભાગ દ્વારા અગાઉ લાખો રૂપિયાના ખર્ચે ઊંડું કરવામાં આવ્યું હતું. જોકે ઓછા વરસાદના કારણે તળાવ સંપૂર્ણ ભરાતું નથી અને ભરાયા બાદ પણ લિકેજના કારણે એકાદ-બે મહિનામાં ખાલી થઈ જતું હોવાનું ગ્રામજનોનું કહેવું છે.

ગ્રામજનોના આક્ષેપ મુજબ અંદાજે ૨૮ હેક્ટર (૭૨ એકર) વિસ્તારમાં ફેલાયેલા આ સરકારી તળાવની જમીનમાં કેટલાક લોકોએ ગેરકાયદે ફેન્સિંગ કરીને કબ્જો જમાવ્યો છે. જો સમયસર કાર્યવાહી નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં તળાવનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ શકે છે. ચોમાસામાં પશુઓને લીલો ઘાસચારો અને ખેડૂતોને ભૂગર્ભ જળનો લાભ મળે તે માટે કબ્જા દૂર કરી તળાવનું સંરક્ષણ કરવું જરૂરી હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.

ગ્રામજનોના જણાવ્યા મુજબ થોડા વર્ષો અગાઉ સિંચાઈ વિભાગે અંદાજે રૂ. ૩ લાખના ખર્ચે પ્લાસ્ટિક પાથરી માટીની પાળ બનાવી લિકેજ અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તે કામગીરી અસરકારક સાબિત થઈ નથી અને તેમાં પણ ગેરરીતિ થઈ હોવાની ચર્ચા ચાલી રહી છે. ઉપરાંત તળાવનું તળિયું મજબૂત બનાવવા માટે કરાયેલા ખોદકામ બાદ શું કામગીરી થઈ તેની પણ સ્થળ તપાસ કરવાની માંગ ઉઠી છે.

હુંજ, બોખર, કેશરપુરા, જગતપુર અને હિંમતપુર સહિતના ગામોના ખેડૂતોને તળાવમાં સંગ્રહાતા વરસાદી પાણીનો પૂરતો લાભ મળતો નથી. તેથી સિંચાઈ વિભાગ દ્વારા તાત્કાલિક સ્થળ નિરીક્ષણ કરી લિકેજ દૂર કરવા, સરકારી જમીન પરથી ગેરકાયદે કબ્જા હટાવવા અને તળાવના સંરક્ષણ માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી ખેડૂતો અને ગ્રામજનોની માંગ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!