હિંમતનગરના પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં બે આખલાઓનું યુદ્ધ: ચાર ઈજાગ્રસ્ત, વાહનોને નુકસાનથી સ્થાનિકોમાં ભય

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં આવેલા ન્યાય મંદિર પાછળના વિસ્તારમાં બે આખલાઓ વચ્ચે અચાનક જોરદાર બાખડાટ થતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. રસ્તા પર સામસામે આવી ગયેલા બંને આખલાઓ લાંબા સમય સુધી એકબીજા સાથે અથડાતા રહ્યા, જેના કારણે ત્યાંથી પસાર થતા લોકોમાં ભય ફેલાયો હતો.
આખલાઓના બાખડાટ દરમિયાન બે રિક્ષા, એક બાઈક અને એક મોપેડ તેમની અડફેટે ચઢી ગયા હતા. અથડામણના કારણે એક બાઈક અને એક રિક્ષા પલટી જતાં ચાર લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સ્થાનિકોની મદદથી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં આસપાસના સ્થાનિકો દોડી આવ્યા હતા અને આખલાઓને અલગ પાડવા માટે તેમના પર પાણી છાંટીને બચાવના પ્રયાસો હાથ ધર્યા હતા. ભારે જહેમત બાદ આખલાઓને અલગ કરવામાં સફળતા મળી હતી, જેના પછી સ્થિતિ સામાન્ય બની હતી.
શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ સતત વધતો જતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અગાઉ પણ અનેક વખત આવા બનાવો બન્યા હોવા છતાં અસરકારક કાર્યવાહી ન થતાં લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. સ્થાનિકોએ તંત્રને રખડતા પશુઓ સામે કડક કાર્યવાહી કરી શહેરને આવા જોખમમાંથી મુક્ત કરવાની માંગ ઉઠાવી છે.




