સાબરકાંઠા

સાબરકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચની મોટી કામગીરી: રાજસ્થાનના ઈનામી બીજુડા ગેંગના બે આરોપી ઝડપાયા

ગુજરાત અને રાજસ્થાન રાજ્યમાં લૂંટ, ચેઈન સ્નેચિંગ, ધાડ, ઘરફોડ તથા વાહનચોરી જેવા ગુન્હાઓ આચરી તેમજ રાજસ્થાન પોલીસ ઉપર હુમલો કરી તરખાટ મચાવનાર કુખ્યાત “બીજુડા ગેંગ”ના બે ઈનામી આરોપીઓને સાબરકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી બે મોટર સાયકલ કિંમત રૂ. ૪૫,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે તથા વાહનચોરીના કુલ-૩ ગુન્હા ડિટેક્ટ કરવામાં આવ્યા છે.

કેવી રીતે થઈ કામગીરી

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ (IPS), ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષકશ્રી ડો. પાર્થરાજસિંહ ગોહીલ (IPS), સાબરકાંઠાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં આર્મ્સ એક્ટ, લૂંટ, ધાડ, ઘરફોડ તથા વાહનચોરીના બનાવો અટકાવવા સૂચના અપાયેલ. આ આધારે શ્રી ડી.સી. સાકરીયા, પો.ઈન્સ. એલ.સી.બી.એ રાજસ્થાન-ગુજરાતમાં મિલકત સંબંધી ગુન્હા આચરતી બીજુડા ગેંગના સક્રિય આરોપીઓ (૧) પપ્પુ ઉર્ફે ભુપેન્દ્ર કાઉઆ કાવા ઢોહા (મીણા) અને (૨) ગણેશ બચુ ઢોહા, બંને રહે. બીજુડા, જિ. ડુંગરપુર (રાજસ્થાન) અંગે તપાસ શરૂ કરાવી હતી.

ઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી દ્વારા આરોપી પપ્પુ ઉર્ફે ભુપેન્દ્ર માટે તા. ૦૨/૦૪/૨૦૨૬ના રોજ રૂ. ૫૦૦૦/-નું રોકડ ઈનામ જાહેર કરાયેલ હતું. શ્રી આર.જે. જાડેજા, પો.સ.ઈ. એલ.સી.બી.ની ટીમ ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સિસના આધારે તપાસમાં કાર્યરત હતી.

બાતમીના આધારે ધરપકડ

હે.કો. નિરીલકુમાર, હે.કો. જીજ્ઞેશકુમાર તથા પો.કો. કિર્તિરાજસિંહને બાતમી મળી કે રાજસ્થાનના બીછીવાડા પોલીસ સ્ટેશનની પોલીસ ઉપર પથ્થરમારો કરી ધાડ/લૂંટ કરી ભાગેલ બંને આરોપીઓ શંકાસ્પદ મોટર સાયકલ લઈ ઈડરથી હિંમતનગર બાજુ આવી રહ્યા છે. આ બાતમીના આધારે ધાણધા સરકારી નર્સરી પાસે વોચ ગોઠવાઈ હતી. બંને ઈસમો મોટર સાયકલ લઈ આવતાં કોર્ડન કરી પકડી પૂછપરછ કરાતાં તેમણે હિંમતનગર તથા ભીલોડાથી મોટર સાયકલ ચોરી કરેલ હોવાની અને રિપેરિંગ કરાવવા લાવ્યા હોવાની કબૂલાત આપી હતી.

કબ્જે મુદ્દામાલ

ક્રમ વર્ણન કિંમત
૧ લાલ કલરની હોન્ડા શાઈન (GJ31F2429) ૨૦,૦૦૦/-
૨ કિરો હોન્ડા ડીલક્સ (GJ 09 AK 0499) ૨૫,૦૦૦/-
કુલ મુદ્દામાલ ૪૫,૦૦૦/-

બંને આરોપીઓને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ની કલમ ૧૦૬ મુજબ કબ્જે કરી, હિંમતનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશને ભારતીય ન્યાય સંહિતા કલમ ૩૦૩(૨) મુજબ ગુન્હો દાખલ કરી કલમ ૩૫(૧)(ઈ) મુજબ અટક કરવામાં આવી છે અને વધુ તપાસ સોંપાઈ છે.

આરોપીઓ સામે અગાઉના ગુન્હા

આરોપી પપ્પુ ઉર્ફે ભુપેન્દ્ર સામે ગુજરાત-રાજસ્થાનમાં અગાઉના ૧૯ જેટલા ગુન્હા નોંધાયેલા છે, જ્યારે ગણેશ ઉર્ફે ગણા સામે ૨૯ જેટલા ગુન્હાનો ઈતિહાસ છે — જેમાં લૂંટ, ધાડ, ચેઈન સ્નેચિંગ, ઘરફોડ તથા વાહનચોરીના બનાવોનો સમાવેશ થાય છે.

કામગીરીમાં સામેલ સ્ટાફ

આ કામગીરીમાં શ્રી ડી.સી. સાકરીયા (પો.ઈન્સ.), શ્રી આર.જે. જાડેજા (પો.સ.ઈ.), એ.એસ.આઈ. દેવસિંહ અમરસિંહ, હે.કો. જીગ્નેશકુમાર સુરેશભાઈ, હે.કોન્સ. નિરીલકુમાર મોજીસભાઈ, પો.કો. કિર્તિરાજસિંહ કિરીટસિંહ, હે.કો. દેવરાજભાઈ ખીમજીભાઈ, પો.કો. નિલેશકુમાર બાબુભાઈ સહિતના અધિકારીઓ-કર્મચારીઓનો સહયોગ રહ્યો હતો.

— લોકલ ક્રાઈમ બ્રાન્ચ, સાબરકાંઠા

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!