હિમતનગર

સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો પર મોંઘવારીનો માર: સાબરડેરીએ પશુદાણના ભાવમાં કર્યો તોતિંગ વધારો

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ (સાબરડેરી) દ્વારા પશુઓ માટેના ‘સાબરદાણ’ના ભાવમાં તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે. ડેરી તંત્ર દ્વારા પરિપત્ર જાહેર કરીને બંને જિલ્લાની સ્થાનિક દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓને આ નિર્ણય અંગે જાણ કરી દેવામાં આવી છે.

પરિપત્રમાં જણાવ્યા અનુસાર, હાલમાં ચાલી રહેલ આંતરરાષ્ટ્રીય તણાવની પરિસ્થિતિને કારણે સાબરદાણ બનાવવા માટે વપરાતા કાચા માલ (Raw Material) તેમજ પેકિંગ મટીરીયલના બજાર ભાવમાં ભારે વધારો થયો છે. આ કારણોસર સાબરદાણની પડતર કિંમત વધી જતાં ડેરી સંઘ દ્વારા તારીખ ૧૧.૦૯.૨૦૨૬થી નવો ભાવ વધારો અમલમાં મૂકવાની જાહેરાત કરવામાં આવી છે. ૭૦ કિલોની સાબરદાણ પ્લાસ્ટિક બેગના ભાવમાં રૂ. ૨૨૦નો વધારો કરવામાં આવ્યો છે.

સાબરદાણના નવા ભાવ અને માર્જિનનું સરનામું (તારીખ ૧૧.૦૯.૨૦૨૬થી અમલી):

અ.નં વિગત પેકિંગ યુનિટ યુનિટદીઠ ભાવ (રૂ.) મંડળીનું માર્જિન (રૂ.) કર્મચારી માર્જિન (રૂ.) વેચાણ ભાવ (રૂ.)
૧ સાબરદાણ (પ્લાસ્ટિક બેગ) ૭૦ કિલો ૧૭૩૦.૦૦ ૧૦.૦૦ ૧૦.૦૦ ૧૭૫૦.૦૦
૨ સાબરદાણ (પ્લાસ્ટિક બેગ) ૫૦ કિલો ૧૨૪૫.૦૦ ૭.૫૦ ૭.૫૦ ૧૨૬૦.૦૦

સાબરડેરીના મેનેજિંગ ડિરેક્ટર સુભાષચંદ્ર વી. પટેલની સહીથી બહાર પાડવામાં આવેલા આ પરિપત્ર (નંબર: ૩૩) મુજબ, ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૬થી મંડળીઓ દ્વારા મોકલવામાં આવતા તમામ નવા ઓર્ડર પર આ નવા ભાવો લાગુ કરવામાં આવશે.

એક તરફ મોંઘવારી વધી રહી છે ત્યારે બીજી તરફ સાબરડેરી દ્વારા પશુદાણના ભાવમાં કરાયેલા આ તોતિંગ વધારાને કારણે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સામાન્ય પશુપાલકોનું બજેટ ખોરવાઈ જશે અને તેમના પર આર્થિક બોજ વધશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!