હિંમતનગર ખાતે કરાર આધારિત બટાકા પકવતા ખેડૂતોનું મહાસંમેલન: ૪ મુખ્ય માંગણીઓ ન સંતોષાય ત્યાં સુધી વાવણી ન કરવાનો અને ઉગ્ર આંદોલનનો નિર્ણય

સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લાના કરાર આધારિત બટાકા પકવતા ખેડૂતોનું આજે હિંમતનગર APMC માર્કેટ યાર્ડ ખાતે એક વિશાળ મહાસંમેલન યોજાયું હતું. મોટી સંખ્યામાં ખેડૂતો પોતાના ટ્રેક્ટરો સાથે માર્કેટ યાર્ડ ખાતે આવી પહોંચ્યા હતા, જેના કારણે સમગ્ર પરિસરમાં ખેડૂત એકતાનો માહોલ સર્જાયો હતો. બટાકાની ખેતીમાં સતત વધી રહેલા ખર્ચ સામે કંપનીઓ દ્વારા યોગ્ય વળતર ન મળવાને કારણે અનેક મુશ્કેલીઓ અનુભવી રહેલા ખેડૂતોએ એકજૂથ થઈને કંપનીઓ સામે લડત આપવાનું આહ્વાન કર્યું છે.
આ મહાસંમેલનમાં ખાસ કરીને ખેતીમાં પડતી મુશ્કેલીઓ અને વિવિધ કરાર આધારિત કંપનીઓ સાથે ઊભી થયેલી સમસ્યાઓ અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. ખેડૂતોએ જણાવ્યું હતું કે ખેતીના સાધનો, ખાતર અને મજૂરીના ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે. તેની સામે બટાકાના યોગ્ય ભાવ મળતા નથી અને કંપનીઓ દ્વારા ખોટી રીતે કપાત કરવામાં આવે છે, જેના કારણે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવે છે.
કંપનીઓ સામે ખેડૂતોની ૪ મુખ્ય માંગણીઓ:
-
યોગ્ય ભાવ: બટાકા માટે પ્રતિ ૨૦ કિલોએ રૂ. ૩૦૦થી વધુ ભાવ ચૂકવવામાં આવે.
-
અયોગ્ય કપાત બંધ કરો: વિવિધ કંપનીઓ દ્વારા ૧૦૦ કિલો બટાકા દીઠ ૧ કિલોથી લઈને ૧.૬૦૦ કિલો સુધી કરવામાં આવતી કપાત તાત્કાલિક બંધ થાય.
-
લોડિંગ-અનલોડિંગ ચાર્જ: બટાકાના લોડિંગ અને અનલોડિંગનો સંપૂર્ણ ખર્ચ કંપનીઓ દ્વારા ભોગવવામાં આવે.
-
બ્રાઉન સ્પોટના નામે કપાત મુક્તિ: બટાકામાં બ્રાઉન સ્પોટના બહાને કરવામાં આવતી અન્યાયી કપાતો બંધ કરવામાં આવે.
સંમેલનના અંતે ખેડૂતોએ એકસૂરે શપથ લીધા હતા કે જ્યાં સુધી આ ચારેય મુખ્ય માંગણીઓનું સંતોષકારક નિરાકરણ નહીં આવે, ત્યાં સુધી કોઈ પણ ખેડૂત કરાર આધારિત બટાકાની વાવણી કરશે નહીં. જો આગામી દિવસોમાં કંપનીઓ દ્વારા માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
સંમેલનમાં સ્થાનિક ખેડૂત આગેવાનો સંદીપ પટેલ, કલ્પેશભાઈ પટેલ, ઉત્સવ પટેલ, મહેન્દ્રભાઈ પટેલ તેમજ હિંમતનગર માર્કેટયાર્ડના ચેરમેન જયેશભાઈ પટેલ સહિતના અગ્રણીઓએ ખેડૂતોની વેદના અને માંગણીઓને સમર્થન આપ્યું હતું.
ખેડૂતોએ આપ્યો સફાઈનો અનોખો સંદેશ:
મહાસંમેલન પૂર્ણ થયા બાદ ખેડૂતોએ એક પ્રશંસનીય ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સભા મંડપમાં થયેલો કચરો અને ગંદકી ખેડૂતોએ પોતે જ જાતે શ્રમદાન કરીને સાફ કરી હતી અને સ્વચ્છતાનો અનોખો મેસેજ આપ્યો હતો.




