ઇડરના ગાંઠીયોલના તેડાઘરમાં બાળકોને ન બોલાવાતા હોવાના આક્ષેપ સાથે રજૂઆત

ઇડર તાલુકાના ગાંઠીયોલ ગામે આવેલ તેડાઘરમાં ફરજ બજાવતા કર્મચારીઓ સામે ગ્રામજનો દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ગામના ૩૦થી વધુ બાળકોને તેડાઘરમાં નિયમિત ન બોલાવીને તેઓને શિક્ષણ, પોષણ અને આરોગ્યલક્ષી સેવાઓથી વંચિત રાખવામાં આવી રહ્યા હોવાની ફરિયાદ સાથે બુધવારે હિંમતનગર જિલ્લા પંચાયત સ્થિત આઇસીડીએસ (ICDS) વિભાગના અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી.
ગાંઠીયોલની નવી વસાહતમાં રહેતા પ્રજ્ઞેશ સુતરીયા, કાનજી વણકર, વિશાલ પાટીલ સહિતના વાલીઓએ લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું કે, તેડાઘરમાં છેલ્લા ઘણા સમયથી ૩૦થી વધુ બાળકોને બોલાવવામાં આવતા નથી. આંગણવાડીના સમય દરમિયાન કર્મચારીઓની આવી બેદરકારીના કારણે બાળકોના શારીરિક અને માનસિક વિકાસમાં અવરોધ ઊભો થઈ રહ્યો હોવાની લાગણી વાલીઓમાં પ્રવર્તી રહી છે.
બાળકો આંગણવાડી/તેડાઘર દ્વારા મળતી સરકારી યોજનાઓ અને પ્રાથમિક સુવિધાઓથી વંચિત ન રહી જાય તે માટે વાલીઓએ સમગ્ર મામલે આઇસીડીએસ અધિકારી સમક્ષ તટસ્થ તપાસ કરીને કર્મચારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.




