લૉ કોલેજ, હિંમતનગરનું ગૌરવ: પારુલ યુનિવર્સિટીની રાજ્ય સ્તરીય મૂટકોર્ટ સ્પર્ધામાં મેળવ્યો ‘શ્રેષ્ઠ મેમોરિયલ’ એવોર્ડ

પારુલ યુનિવર્સિટી, વડોદરા દ્વારા તા. ૨૫ થી ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન વિવિધ મૂટકોર્ટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લૉ કોલેજ, હિંમતનગરના કુલ છ વિદ્યાર્થીઓએ ભાગ લઈ સંસ્થાનું નામ રોશન કર્યું છે.
આ સ્પર્ધામાં કોલેજ તરફથી બે અલગ-અલગ ટીમોએ પ્રતિનિધિત્વ કર્યું હતું. જેમાં પ્રથમ ટીમમાં અમનકુમાર ભાટ, ઈશા મેડતીયા અને દ્રષ્ટિ પઢીયાર નામના ત્રણ વિદ્યાર્થીઓએ પારુલ યુનિવર્સિટીની ‘ચોથી આંતર યુનિવર્સિટી મૂટકોર્ટ સ્પર્ધા ૨૦૨૬’ માં સફળતાપૂર્વક ભાગ લીધો હતો.
જ્યારે બીજી ટીમમાં વ્રજપાલસિંહ ડાભી, નિધિ પ્રજાપતિ અને શેવાગી વણઝારાએ ‘ત્રીજી રાજ્ય મૂટકોર્ટ સ્પર્ધા ૨૦૨૬’ માં ભાગ લીધો હતો. આ ટીમે પોતાના ઉત્કૃષ્ટ પ્રદર્શન અને કાનૂની સંશોધન ક્ષમતાના બળે સ્પર્ધામાં ‘શ્રેષ્ઠ મેમોરિયલ’ (Best Memorial) નો પ્રતિષ્ઠિત પુરસ્કાર જીતીને કોલેજ તેમજ સમગ્ર વિસ્તારનું ગૌરવ વધાર્યું છે.
વિદ્યાર્થીઓની આ સિદ્ધિ પાછળ ડૉ. હનીબેન ઠક્કરનું યોગ્ય માર્ગદર્શન રહ્યું હતું. સ્પર્ધકોની આ ઉજ્જવળ સફળતા બદલ હિંમતનગર કેળવણી મંડળના હોદ્દેદારો તેમજ કોલેજના સમગ્ર સ્ટાફ પરિવાર દ્વારા તમામ વિજેતા અને સહભાગી વિદ્યાર્થીઓને હૃદયપૂર્વક અભિનંદન અને ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી છે.



